ઇરાક અને સાઉદી અરેબિયાને પછાડીને રશિયા ભારતનું ટોચનું ક્રૂડ સપ્લાયર બન્યું છે. એનર્જી કાર્ગો ટ્રેકર વોર્ટેક્સા અનુસાર ચાલુ વર્ષે માર્ચ, 2022 દરમિયાન રશિયા પાસેથી માત્ર 0.2 ટકા ક્રૂડની આયાત કરનાર ભારતે ઑક્ટોબરમાં 935,556 બેરલ્સ ક્રૂડ ઓઇલની આયાત કરી હતી. જે સર્વોચ્ચ છે. હવે દેશની કુલ ક્રૂડની આયાતમાં રશિયાનો હિસ્સો 22 ટકા છે. જ્યારે ઇરાક 20.5 ટકા સાથે બીજા ક્રમાંકે જ્યારે સાઉદી અરેબિયા 16 ટકા સાથે ત્રીજા ક્રમાંકે છે.
વોર્ટેક્સા અનુસાર, ભારતે ડિસેમ્બર 2021 દરમિયાન રશિયા પાસેથી 36,225 બેરલ્સ ક્રૂડની આયાત કરી હતી, જ્યારે ઇરાક પાસેથી 1.05 બેરલ્સ અને સાઉદી અરેબિયા પાસેથી 952,625 બેરલ્સની આયાત કરી હતી. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં રશિયા પાસેથી ક્રૂડની આયાત કરવામાં આવી ન હતી પરંતુ યુક્રેન સાથે યુદ્વ બાદ માર્ચ મહિનાથી ભારતે રશિયા પાસેથી ફરીથી ક્રૂડની આયાત શરૂ કરવામાં આવી હતી.
ભારતે માર્ચમાં રશિયા પાસેથી 68,600 બેરલ્સની આયાત જ્યારે એપ્રિલમાં આયાત વધીને 266,617 BPD અને ત્યારબાદ જૂનમાં આયાત વધીને 942,694 બેરલ્સ થઇ હતી. જો કે જૂનમાં ઇરાક 1.04 મિલિયન BPD સાથે ભારતનું ટોચનું સપ્લાયર રહ્યું હતું. ત્યારે રશિયા ભારતનું બીજા નંબરનું સપ્લાયર હતું. ભારતમાંથી સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ક્રૂડ ઓઇલની આયાત અનુક્રમે 876,396 તેમજ 835,556 BPD હતી.