Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ધરાર પ્રેમસંબંધ રાખવા કે પ્રેમસંબંધ તોડી નાખવાના મનદુ:ખને કારણે મારામારીના બનાવો અગાઉ અનેક વખત પ્રકાશમાં આવ્યા છે. આવો જ વધુ એક કિસ્સો દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલા ખોડિયારનગરમાં બન્યો છે. જે બનાવ અંગે પોલીસમાં સામસામી ફરિયાદ નોંધાઇ છે. પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.


ખુશી મનીષભાઇ દત્તાણી નામની યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેને અગાઉ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઠારિયા મેઇન રોડ પર રહેતા ધ્રુવ હિતેશ મકવાણા નામના યુવક સાથે પરિચય થયો હતો. જે પરિચય પ્રેમમાં પલટાતા બંને એકબીજાના પ્રેમમાં હતા. દરમિયાન ધ્રુવ સાથે બે મહિના પહેલા પ્રેમસંબંધ તોડી નાખ્યો હતો.

તેમ છતાં ધ્રુવ બે મહિનાથી પોતાનો પીછો કરી પોતે ગમે ત્યાં જાય ત્યારે તે પાછળપાછળ આવતો હતો. ત્યારે સોમવારે સવારે ધ્રુવ ઘર પાસેથી નીકળતા માતા તેને જોઇ ગયા હતા. જેથી તેને ઊભો રાખ્યો હતો. આ સમયે પિતા મનીષભાઇ અને ભાઇ ત્યાં દોડી જઇ ધ્રુવને માર માર્યો હતો.

મિત્રતા તોડી નાખવા છતાં પીછો કરી પજવણી કરતા ધ્રુવના ત્રાસથી પોતે ઘરમાં જઇ ઝેરી દવા પાણીમાં ભેળવીને પી લીધી હતી. દવા પીતી હતી તે સમયે બહેન પોતાની પાસે આવતા તેને ઝેરી દવા પીધી હોવાનું કહેતા પોતાને તુરંત સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. બીજી તરફ ખુશીના પિતા અને ભાઇના મારથી ઘવાયેલા ધ્રુવને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. માલવિયાનગર પોલીસે ખુશીની ફરિયાદ પરથી ધ્રુવ સામે, જ્યારે ધ્રુવ મકવાણાની ફરિયાદ પરથી ખુશીના પિતા અને તેના ભાઇ સામે ગુનો નોંધ્યો છે.