રાજકોટમાં રેસકોર્સ મેદાનમાં આગામી તારીખ 24થી 28મી ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીનો લોકમેળો યોજાવાનો છે. જેમાં 215 સ્ટોલ સામે 488 ફોર્મ ભરાયા હોવાનુ સામે આવ્યુ છે. ગુરુવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે હજૂ ટી કોર્નર માટે એક પણ વેપારીએ ફોર્મ ભર્યું નથી જ્યારે આઈસ્ક્રીમના 16 સ્ટોલ સામે 8 જ ફોર્મ ભરાયા છે. ઉપરાંત ખાણીપીણીના મોટા 2 સ્ટોલ સામે 3 જ ફોર્મ ભરાતા વહિવટી તંત્ર ચિંતામાં મુકાઇ ગયું છે. જોકે, ત્રીજી વખત તારીખ વધાર્યાની મુદ્દત ગુરુવારે પૂર્ણ થઈ જશે. ગુરુવાર બાદ કોઈ ફોર્મ સ્વીકારવામાં નહીં આવે. સુરક્ષાને ધ્યાને લઇ આ વખતે લોકમેળાનો વીમો રૂ. 5 કરોડથી વધારી રૂ. 7.50 કરોડ એટલે કે અઢી કરોડનો વધારો કરવામા આવ્યો છે. જ્યારે 340 લોકોએ લોકમેળાનું નામ આપવા માટે એન્ટ્રી મોકલાવી છે.
આ ઉપરાંત લોકમેળામાં શ્રેષ્ઠ નામ સૂચવવા માટે રાજકોટના લોકો પાસે ઇ-મેઇલ મારફત નામો મંગાવવામાં આવ્યા હતા. જેનાં આજે છેલ્લા દિવસે સાંજ સુધીમાં 340 લોકોએ એન્ટ્રી મોકલી છે. જેમાં કોઈએ 2 તો કોઈએ 5 નામો આપ્યા છે. શ્રેષ્ઠ નામ આપતાં વિજેતાને રૂ. 5,000 નો રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામા આવશે. લોકમેળાનું નામ સંભવત: એક - બે દિવસમા જાહેર કરવામા આવશે. આ સાથે જ લે આઉટ પ્લાન પણ ફાઇનલ થઈ જશે.