રાજકોટના ગરીબ રેશનકાર્ડ ધારકોને રેશનિંગનું સડેલું અનાજ ધાબડી દેવામાં આવતું હોવાની પુરાવા સહિત ગંભીર ફરીયાદ સાંસદ રામ મોકરીયા અને ચેમ્બર પ્રતિનિધિ રાજુ જુંજાએ રાજકોટ જિલ્લા કલેકટરને ગત શનિવારની પુરવઠા સલાહકાર સમિતિની મિટિંગમાં કરી હતી. આ રજુઆતના પગલે જિલ્લા કલેકટરે તાત્કાલિક પુરવઠા અધિકારીએ તપાસનો આદેશ પણ આપી દીધો હતો. દરમિયાન સડેલા અનાજની સાંસદની ફરીયાદનો ગંભીર પડઘો ગાંધીનગરમાં પણ પડ્યો છે અને આજરોજ સાંસદની ચોંકાવનારી ફરિયાદના પગલે ગુજરાત રાજ્યના પુરવઠા વિભાગના નિયામક તુષાર ધોળકીયાએ સ્ટેટ પુરવઠાની વિજિલન્સ ટીમને તાત્કાલિક રાજકોટ દોડાવી છે અને સાંસદ દ્વારા જે વિસ્તારની દુકાનોમાંથી સડેલું અનાજ વિતરણ થતું હોવાની ફરીયાદ થતી હતી તેવી દુકાનોમાં સઘન તપાસ કરી હતી.
આ અંગેની પુરવઠા વિભાગના સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ વિજિલન્સની ટીમમાં પુરવઠા નિગમના 2 ડેપ્યુટી ડાયરેકટર તથા એફઆરએલના આસી. ડાયરેકટર સહિતનાં પાંચ જેટલા ઉચ્ચ અધિકારીઓ સામેલ છે. વિજિલન્સની આ ટીમ સાથે સ્થાનિક વિભાગનો સ્ટાફ જોડાયો છે. રાજ્યના પુરવઠા વિભાગના આધારભૂત સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ સાંસદની રજૂઆતના પગલે આજરોજ સવારથી વિજિલન્સની ટીમે ભગવતીપરા વિસ્તારમાં આવેલ ચંદ્રીકાબેન મકવાણા, નીતાબેન ડાંગર અને પંકજભાઈ ગોંડલીયા તથા આ વિસ્તારની અન્ય ત્રણ ચાર્જ અપાયેલી રેશનીંગની દુકાનમાં તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.