જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને તોશાખાના (તોશાખાના કેસ-2) સંબંધિત બીજા કેસમાં જામીન મળી ગયા છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે જામીન તરીકે 10 લાખ પાકિસ્તાની રૂપિયાના બોન્ડ જમા કરવાનો આદેશ આપ્યો છે. ઈમરાન ખાન ગયા વર્ષે 5 ઓગસ્ટથી જેલમાં છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે જામીન મળ્યા બાદ ઈમરાનને મુક્ત કરવામાં આવશે કે નહીં.
પહેલેથી જ જેલમાં બંધ ઈમરાન ખાન અને તેની પત્ની બુશરા બીબીની આ વર્ષે 13 જુલાઈના રોજ તોશાખાના કેસ-2માં જેલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જો કે ગયા મહિને 24 ઓક્ટોબરે બુશરા બીબીને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા હતા.
ગયા અઠવાડિયે ગુરુવારે પાકિસ્તાનની કોર્ટમાં તોશાખાના કેસ-2માં ઈમરાન અને બુશરાને નિર્દોષ જાહેર કરવા માટે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જોકે કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી.
ઈમરાન અલગ-અલગ કેસમાં 474 દિવસથી રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે. ઈસ્લામાબાદની સ્થાનિક કોર્ટે 5 ઓગસ્ટ, 2023ના રોજ તોશાખાના કેસમાં તેને દોષિત ઠેરવ્યો હતો.