પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થીના આકસ્મિક મોત બાદ તપાસ કરાતાં મૃતક વિદ્યાર્થી સહિત અન્ય જુનિયર વિદ્યાર્થીઓનું સિનિયર્સ દ્વારા રેગિંગ કરાયું હોવાનો ઘટસ્ફોટ થતા રેગિંગ મુદ્દે હવ રાજ્યભરની યુનિવર્સિટી અને કોલેજોમાં ચર્ચા જાગી છે. પાટણકાંડ બાદ રાજ્યની કેટલીક યુનિવર્સિટીમાં રેગિંગ કમિટી પણ સક્રિય બની ગઈ હોવાનું અને કેમ્પસમાં ચેકિંગ કરી રહી હોવાનું ધ્યાને આવ્યું છે, પરંતુ છેલ્લે કેટલાક સમયથી રાજ્યમાં રેગિંગના બનાવ વધી રહ્યા છે. મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન હેઠળ યુજીસીના એન્ટિ રેગિંગ પોર્ટલ પર નોંધાયેલી રેગિંગની ફરિયાદોના આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં 2019થી 2024માં અત્યાર સુધી એટલે કે 6 વર્ષમાં રેગિંગના 75 કેસ-ફરિયાદ નોંધાયા છે. જેમાંથી 34 કેસ રાજ્યની જુદી જુદી મેડિકલ, આયુર્વેદ, ડેન્ટલ કોલેજના હોવાનું બહાર આવ્યું છે. વર્ષ 2024માં પણ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં રાજ્યમાં રેગિંગની 16 જેટલી ફરિયાદ થઇ છે જેમાંથી 5 સિરિયસ કેટેગરીમાં મૂકવામાં આવી છે.
યુજીસીના વર્ષ 2022-23ના રિપોર્ટમાં દર્શાવ્યું છે કે, આ વર્ષમાં રેગિંગની 858 ફરિયાદ આવી, જેમાંથી 797નું નિવારણ લાવ્યું જ્યારે 61 પેન્ડિંગ રહી હતી. આ ઉપરાંત વર્ષ 2021-22માં રેગિંગની 582 ફરિયાદ મળી હતી જેમાંથી 401નું નિરાકરણ લવાયું હતું જ્યારે 181 પેન્ડિંગ રહી હતી. વર્ષ 2022-23માં નેશનલ એન્ટિ રેગિંગ હેલ્પલાઈનને ચલાવવા, દેખરેખ રાખવા, મૂલ્યાંકન કરવા 2.02 કરોડ ખર્ચાયા હોવાનું પણ દર્શાવાયું છે. એવી જ રીતે વર્ષ 2021-22માં પણ હેલ્પલાઈન પાછળ 245.45 લાખ ખર્ચાયા હતા.