જસદણ તાલુકાના કમળાપુર ગામે બસ સ્ટેન્ડ નજીક આવેલી બેંક પાસે એક ઈકો કારના ચાલકે અચાનક સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવી બેસતા રોડની સાઈડમાં પડેલી બે બાઈક અને એક વ્યક્તિને અડફેટે લીધા બાદ કાર એક ઉંચી દુકાનમાં ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં બન્ને બાઈકના કુરચેકુરચા બોલી ગયા હતા અને એક વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતના પગલે કમળાપુર ગામના બસ સ્ટેન્ડ પાસે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, કમળાપુરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દબાણો હોવાથી અવારનવાર ટ્રાફિકજામ થાય છે અને ટ્રાફિક સમસ્યા પણ સર્જાય છે. અહીં દબાણો અને ટ્રાફિકને લીધે અનેક વખત નાના-મોટા અકસ્માતોના બનાવો બની રહ્યા છે. છતાં જવાબદાર તંત્ર દ્વારા દબાણો દુર કરવાની તસ્દી પણ લેવામાં આવતી ન હોવાથી નિર્દોષ વાહનચાલકો તેનો ભોગ બની રહ્યા છે. જેથી જે તે જવાબદાર તંત્ર દ્વારા કમળાપુર ગામના બસ સ્ટેન્ડ નજીક ટ્રાફિકને નડતરરૂપ થતા ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવે તેવી ગામના જાગૃત ગ્રામજનોની માંગ છે.