ઇઝરાયેલની યુદ્ધ કેબિનેટે લેબનોનમાં ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે 60 દિવસના યુદ્ધવિરામ કરારને મંજૂરી આપી છે. મંગળવારે મોડી રાત્રે આ અંગે કેબિનેટની બેઠક યોજાઈ હતી. ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધવિરામ યોજનાને પહેલા જ મંજૂરી આપી દીધી છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને આ યુદ્ધવિરામને 'સારા સમાચાર' ગણાવ્યા છે. તેમણે વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાંથી સંબોધન કર્યું હતું. તેમાં તેણે કહ્યું કે ઈઝરાયેલ અને લેબનોનની સરકારોએ 'ઈઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચેના વિનાશક સંઘર્ષને સમાપ્ત કરવાના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે.
બાઈડેને કહ્યું કે બંને દેશો વચ્ચેની ડીલ હેઠળ લેબનોન-ઈઝરાયેલ બોર્ડર પર લેબનોન સમય અનુસાર બુધવારે સવારે 4 વાગ્યે (ભારતીય સમય અનુસાર બુધવારે સવારે 7:30 વાગ્યે) યુદ્ધ બંધ કરવામાં આવશે. બાઈડેને આ પગલાને કાયમી યુદ્ધવિરામ માટે લેવાયેલું પગલું ગણાવ્યું છે.
તેમણે એમ પણ કહ્યું કે હિઝબુલ્લાહ અને અન્ય આતંકવાદી સંગઠનોના જે પણ અવશેષઓ બાકી રહેશે તેને સહન કરવામાં આવશે નહીં. તેણે એમ પણ કહ્યું કે જો હિઝબુલ્લાહ અથવા અન્ય કોઈ કરારનું ઉલ્લંઘન કરે છે અને ઈઝરાયેલ માટે ખતરો ઉભો કરે છે તો આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર ઈઝરાયેલને આત્મરક્ષાનો અધિકાર હશે.