ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ સહિતના વિસ્તારો દાયકાઓથી રાજકોટની બજારની ઓળખ ધરાવે છે. આ જ વિસ્તારોમાં દબાણ અને ટ્રાફિકને કારણે તહેવારોમાં લોકો ત્રાહિમામ ્પોકારી જાય છે. વેપારીઓએ અનેક વખત રજૂઆતો કરી છે. મનપાના શાસકો સાથે બેઠકો કરી લીધી છે આ ઉપરાંત પોલીસના લોકદરબારમાં પણ ટ્રાફિક પ્રશ્ને પોતાની વાત મૂકી છે. જોકે નિરાકરણ હજુ સુધી આવ્યું નથી અને વેપારીઓને ફરી એ જ દિવસો જોવાના આવ્યા છે.
તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે બજેટમાં પબ્લિક ફ્રેન્ડલી સ્ટ્રીટના નામે બજેટમાં જાહેરાત કરી હતી. જે અંતર્ગત ધર્મેન્દ્ર રોડ પર આખો દિવસ વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવી ત્યાં ફક્ત લોકો સાઇકલ અથવા તો ચાલીને પ્રવેશ તેમજ બીમાર અને વૃદ્ધો માટે ઈ-રિક્ષા પણ મુકવાની વાત કરી હતી. રાત્રીના સમયે વેપારીઓને માલ-સામાનની ડિલિવરી કરવા સમય પણ અપાશે તેવો પણ વિચાર મુકાયો હતો.