સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજથી જુદા જુદા 20 જેટલા કોર્સના 42,099 વિદ્યાર્થીની પરીક્ષાનો પ્રારંભ થયો છે. આજની પરીક્ષામાં QPDS સિસ્ટમ લાગુ કરવામાં આવી છે જેમાં પરીક્ષાના એક કલાક પૂર્વે પ્રશ્નપત્ર પરીક્ષા કેન્દ્ર પર ઓનલાઇન ઇ-મેઇલ મારફત મોકલવામાં આવ્યા છે પરંતુ બી.કોમ સહિતની કેટલીક ફેકલ્ટીના પ્રશ્નપત્ર ઓફલાઈન મોકલવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જુદા જુદા 110 કેન્દ્ર ઉપર યુનિવર્સિટીના 42,099 વિદ્યાર્થીઓ બીજા તબક્કાની પરીક્ષા લેવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં પ્રથમ તબક્કાની પરીક્ષામાં બીબીએ અને બીકોમ સેમેસ્ટર 5ના પ્રશ્નપત્ર લીક થયા બાદ આજથી શરૂ થતી બીજા તબક્કાની પરીક્ષામાં ઓનલાઇન પ્રશ્નપત્ર મોકલી પરીક્ષા લેવા નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે આજથી શરૂ થયેલ બીજા તબક્કાની પરીક્ષામાં એક દિવસમાં માત્ર એક જ પેપર લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જયારે પ્રથમ તબક્કામાં અગાઉ એક દિવસમાં ત્રણ ત્રણ પેપર લેવાતા હોવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હતી.