રાજકોટમાં 181 અભયમ હેલ્પલાઇન ફરી એક વખત પરિણીતાની મદદે આવી છે. મૂળ બિહારના અને હાલ રાજકોટમાં રહેતા નશાખોર પતિના ત્રાસથી કંટાળીને પત્ની ઘર છોડીને નીકળી ગઇ હતી અને શહેરના એક વિસ્તારમાં આ મહિલા નિ:સહાય બેઠી હતી. જેની આ વિસ્તારના જાગૃત નાગરિકને જાણ થતા 181 હેલ્પ લાઈનમાં ફોન કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ મહિલાનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. મહિલા બિહારની હોવાથી ગુજરાતી ભાષા સમજી શકતી નહોતી જેને લીધે થોડી મુશ્કેલી પડી હતી, પરંતુ બાદમાં આ મહિલાને સમજાવીને સુરક્ષિત જગ્યાએ આશ્રય આપવામાં આવ્યો છે.
અભયમની ટીમ મહિલાની મદદે પહોંચી રાજકોટના એક વિસ્તારમાંથી એક જાગૃત નાગરિકે 181 અભયમ મહિલા હેલ્પલાઇનમા ફોન કરી જણાવ્યું હતુ કે, એક અજાણી મહિલા નિ:સહાય અમારા વિસ્તારમાં બેઠી છે તે ખુબ ચિંતામાં છે. તેમની મદદ માટે 181 વાનની જરૂર છે. જે અનુસંધાને રાજકોટ 181 અભયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર કાજલબેન પરમાર ટીમ સાથે સ્થળ પર ઘટનાસ્થળે અજાણી મહિલાની મદદ માટે પહોંચી ગયા હતા.
છેલ્લા એક મહિનાથી પતિ સાથે રાજકોટ રહે છે મહિલા સાથે વાતચીત કરી પ્રાથમિક માહિતી મેળવવા પ્રયત્ન કર્યો અને પીડિતા મહિલાએ જણાવ્યું કે તેનું મૂળ વતન બિહાર મુકામે છે અને બિહારના જ એક ગામમાં એક વર્ષ પહેલાં તેના લગ્ન થયા છે. જોકે છેલ્લા એક મહિનાથી પતિ સાથે રાજકોટ રહે છે. પતિને નશો કરવાની ટેવ હોય જેથી અવારનવાર કેફી દ્રવ્યોનું સેવન કરીને તેની સાથે મારકૂટ કરે છે. માનસિક-શારીરિક ત્રાસ આપતા હોવાથી ઘરેથી નીકળી ગઈ હતી.