રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરીથી જર્મનીના પૂર્વ ચાન્સેલર એન્જેલા મર્કેલની માફી માગી છે. પુતિને નકારી કાઢ્યું હતું કે તેમણે કૂતરા સાથે ચાન્સેલર મર્કેલને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. રશિયન પ્રેસિડેન્ટે કહ્યું છે કે તેમણે આ જાણી જોઈને નથી કર્યું.
વાસ્તવમાં આ ઘટના 2007ની છે. જ્યારે એન્જેલા મર્કેલ અને પુતિનની મુલાકાત થઈ રહી હતી. આ મીટિંગ દરમિયાન પુતિનનો પાલતુ લેબ્રાડોર કૂતરો 'કોની' ત્યાં આવ્યો હતો. આનાથી મર્કેલ ખૂબ જ ડરી ગઈ હતી. ત્યારે આ મામલો ખૂબ ચર્ચામાં આવ્યો હતો.
હવે 17 વર્ષ બાદ આ ઘટના ફરી ચર્ચામાં છે કારણ કે એન્જેલા મર્કેલે પોતાના સંસ્મરણ 'ફ્રીડમ'માં તેનો ઉલ્લેખ કર્યો છે. આ પુસ્તક 26 નવેમ્બરે રિલીઝ થયું છે. આમાં મર્કેલે પોતાના 16 વર્ષના કાર્યકાળ દરમિયાન રાજકીય અને અંગત જીવન સાથે જોડાયેલી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. આ 273 પાનાનું પુસ્તક 30થી વધુ દેશોમાં વેચાઈ રહ્યું છે.