દેશમાં સ્ટાર્ટઅપ કલ્ચર હવે ગતિ પકડી રહ્યું છે. દેશના યુવાવર્ગને નોકરી કરતાં પોતાના જ બિઝનેસમાં વધુ સારું ભવિષ્ય નજરે પડી રહ્યું છે. એક સરવે રિપોર્ટ અનુસાર દેશના 67% વિદ્યાર્થીઓ સ્નાતક થવાના 10 વર્ષની અંદર પોતાનો વ્યવસાય શરૂ કરવા આતુર છે.
ઇકોનૉમિક સરવે 2023-24 અનુસાર વર્ષ 2014થી અત્યાર સુધી 10 વર્ષના સમયગાળા દરમિયાન દેશમાં ટેક સ્ટાર્ટઅપ્સમાં અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળતા તે 15 ગણાથી વધુ વધ્યા છે. યુવાઓને તેમાં જ ભવિષ્ય જોવા મળી રહ્યું છે. એઆઇ આધારિત રિક્રૂટમેન્ટ ઑટોમેશન ફર્મ હાયર પ્રોના એક અભ્યાસ અનુસાર કોલેજના 15% વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ થયા બાદ તરત જ પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે. જ્યારે 23% વિદ્યાર્થીઓ 2-3 વર્ષ બાદ પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે યોજના બનાવી રહ્યા છે.
29% વિદ્યાર્થીઓ એવા છે જે સ્નાતક થયા બાદ 5-10 વર્ષ બાદ પોતાનો વ્યવસાય શરૂ કરવાનું આયોજન ધરાવે છે. આ રિપોર્ટ 20 હજારથી વધુ ઉમેદવાર, 350થી વધુ કોલેજ અને 200 કોર્પોરેટની સાથે 100થી વધુ કેમ્પસમાં જઇને ટેલેન્ટની પસંદગી કરનારી કંપનીઓના ઇન્ટરવ્યૂ પર આધારિત છે.