રાજ્ય સરકાર દ્વારા નવી જંત્રી લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે અને તેની સામે વાંધા-રજૂઆતો મગાવવામાં આવી રહી હોય તે લાગુ કરવામાં આવી નથી. છતાં રાજકોટના રિયલ એસ્ટેટ બજારમાં રીતસરની મંદી આવી ગઇ હોય તેવી સ્થિતિ જોવા મળી છે. રાજકોટ શહેર-જિલ્લામાં ગત નવેમ્બર માસમાં નોંધાયેલા દસ્તાવેજોની નોંધણીમાં મોટું ગાબડું પડ્યું છે અને ઓક્ટોબર માસ કરતાં નવેમ્બર માસમાં 4839 દસ્તાવેજ ઓછા નોંધાતા મિલકત લે-વેચના સોદામાં મોટું ગાબડું પડ્યાનું ચિત્ર ઉપસ્યું છે.
રાજકોટ શહેર-જિલ્લાની 18 સબ રજિસ્ટ્રાર કચેરીમાં ગત ઓક્ટોબર માસમાં 14484 દસ્તાવેજની નોંધણી થઇ હતી જેની સામે ગત નવેમ્બર માસમાં 9645 દસ્તાવેજની નોંધણી થઇ હતી. આમ દસ્તાવેજ નોંધણીમાં 4839નું ગાબડું પડ્યું છે. દસ્તાવેજોની નોંધણી ઘટતા રાજ્ય સરકારની તિજોરીમાં થનારી આવકમાં પણ રૂ.34,49,68,533નું ગાબડું પડ્યું છે.
રાજ્ય સરકારને રાજકોટ જિલ્લામાં ગત ઓક્ટોબર માસમાં ફી અને સ્ટેમ્પ ડ્યૂટીની રૂ.85,53,61,274ની કુલ આવક થઇ હતી. જ્યારે નવેમ્બર માસમાં માત્ર રૂ.51,03,92,741ની જ આવક થઇ હતી. આમ સરકારની દસ્તાવેજ નોંધણી થકી થતી સ્ટેમ્પ ડ્યૂટી અને ફીની આવકમાં રૂ.34,49,68,533નો મોટો ઘટાડો નોંધાયો છે.