શુક્રવારે (16 ઓગસ્ટ)ના રોજ સંસદ ભવનની સુરક્ષામાં ભંગનો મામલો સામે આવ્યો હતો. બપોરે એક યુવક દિવાલ કૂદીને સંસદ સંકુલમાં પ્રવેશ્યો હતો. ત્યાં તૈનાત કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળો (CISF)ના જવાનોએ તેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.
આરોપીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેમાં તેણે શોર્ટ્સ અને ટી-શર્ટ પહેરેલી છે. CISFના જવાનો તેને પકડી રાખેલા જોવા મળે છે. પોલીસે જણાવ્યું કે યુવક માનસિક રીતે અસ્વસ્થ જણાય છે. તે પોતાનું નામ પણ બરાબર કહી શકતો નથી.
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ સીઆઈએસએફના સૂત્રોને ટાંકીને કહ્યું કે આરોપી પાસેથી કંઈ વાંધાજનક મળ્યું નથી. યુવકની ઓળખ ઉત્તર પ્રદેશના અલીગઢના રહેવાસી મનીષ તરીકે થઈ છે. આ મામલે તપાસ ચાલી રહી છે.