મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામોના 13 દિવસ બાદ નવી સરકારની રચના કરવામાં આવી છે. દેવેન્દ્ર ફડણવીસે 10 વર્ષમાં ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આવું કરનાર તેઓ ભાજપના પ્રથમ નેતા છે. શપથ બાદ તેઓ પીએમ મોદી પાસે ગયા અને તેમને અભિનંદન પાઠવ્યા.
ફડણવીસ બાદ પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. શપથ લેતાં પહેલાં તેમણે બાળાસાહેબ ઠાકરે અને આનંદ દિઘેનું નામ લીધું હતું. વડાપ્રધાન મોદી અને અમિત શાહનો આભાર માન્યો. તેઓ રાજ્યના બીજા એવા નેતા છે જેઓ સીએમ બાદ ડેપ્યુટી સીએમ બન્યા છે.
શિંદે પછી NCP નેતા અજિત પવારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. તેઓ છઠ્ઠી વખત રાજ્યના ડેપ્યુટી સીએમ બન્યા છે. તેઓ મહાયુતિ અને મહાવિકાસ આઘાડી બંને ગઠબંધન સરકારોમાં ડેપ્યુટી સીએમ બનનાર મહારાષ્ટ્રમાંથી પ્રથમ નેતા બન્યા છે.
શપથવિધિના અડધા કલાક બાદ ફડણવીસ, શિંદે અને અજિત મંત્રાલય પહોંચ્યા. પ્રથમ કેબિનેટ બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસે પુણેના દર્દી ચંદ્રકાંત શંકર કુર્હાડેની સારવાર માટે મુખ્યમંત્રી તબીબી રાહત ફંડમાંથી રૂ. 5 લાખની સહાય આપવાનો નિર્ણય કર્યો હતો.