રાજકોટના કાલાવડ રોડ પર આણંદપર પાસે આવેલી બી.એચ.ગાર્ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીમાં ધનવંતીબેન અભીચંદાણી તા.17-08-2013થી 31-03-2022 સુધી લાઇબ્રેરિયન તરીકે ફરજ બજાવતા હતા અને ત્યારે તેમનો સંસ્થામાં બેઝિક પગાર રૂ.40,110 હતો. સંસ્થા દ્વારા કામદારને ગ્રેચ્યુઇટીની રકમ માગણી કરવા છતાં ચૂકવવામાં ન આવતા કંટ્રોલિંગ ઓથોરિટી અન્ડર ધ પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી એક્ટ-1972 રાજકોટ સમક્ષ ગ્રેચ્યુઇટીની રકમ રૂ.2,08,274ની માગણી અને તેના પર વ્યાજની માગણી કરવામાં આવી હતી.
જેની સામે સામાવાળાએ એવો વાંધો રજૂ કર્યો હતો કે અરજદાર અને યુનિવર્સિટી વચ્ચેનો વિવાદ ચલાવવાની સત્તા માત્ર એફિલિએટેડ કોલેજીસ ટ્રિબ્યૂનલને હોય તથા કામદારની વ્યાખ્યામાં ન આવતા હોય આ અરજી ચલાવવાની સત્તા આપને નથી. જેથી અરજી રદ કરવી જોઇએ. જેના અનુસંધાને ભારતીય મઝદૂર સંઘના મુસાભાઇ જોબણે ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ દલીલમાં આપતા ગ્રેચ્યુઇટી ચૂકવણી અધિનિયમ-1972 હેઠળ નિયંત્રણ અધિકારી એ.કે.સિહોરાએ ગ્રેચ્યુઇટીની રકમ 30 દિવસમાં ચૂકવવા તથા અરજી કર્યાની તારીખથી જે તારીખે ગ્રેચ્યુઇટીની રકમ ચૂકવવામાં આવે ત્યાં સુધી 10 ટકા લેખે સાદા વ્યાજની થતી રકમ ચૂકવવા હુકમ કર્યો હતો.