ગુજરાતનો સૌથી દુર્ગમ તાલુકો કપરાડા. વલસાડ જિલ્લામાં આવેલા આ તાલુકાનાં ગામોમાં પ્રવેશતા જ આછેરો ખ્યાલ આવી જાય કે તાલુકામાં રહેતી દીકરીઓ માટે તાલુકાના નામની જેમ જ કપરા ચઢાણની સ્થિતિ છે. ગામોમાં ગયા પછી જે હકીકત જાણવા મળી તે સાંભળ્યા બાદ હૃદય ધબકારા ચૂકી ગયું, મગજ સુન્ન થઈ ગયું, આઘાત લાગ્યો. શું કરવું તે સમજાતું નહોતું. નાની દીકરીઓ માતા બની ગઈ .જેની કૂખે આ સંતાન અવતર્યું છે તે દીકરી હજુ તો માંડ 14 વર્ષની હતી. 12, 14, 15, 16, 17 વર્ષ જેવી હસવા, રમવા, ભણવાની ઉંમરે દીકરીઓની કૂમળી કૂખે બાળક અવતર્યા છે તેવું જાણ્યા પછી આઘાત ના લાગે તો બીજું શું થાય ? અને આવા એકલ દોકલ કિસ્સા નથી. તાલુકામાં માત્ર 9 મહિનામાં જ 907 દીકરીઓ બાળમાતા બની છે. જેની ઉંમર 12 થી 18 વર્ષ વચ્ચે છે.
વલસાડ જિલ્લામાં 15 થી 19 જેવી કૂમળી વયની 2175 જેટલી દીકરીઓ માતા બની હોવાનો ઘટસ્ફોટ થયો છે. અહીં કાયદાનો પનો ટૂંકો પડી રહ્યો છે કે આંખે પાટા બંધાઈ ગયા છે તે પણ સવાલ છે. વલસાડ જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં નાની ઉંમરમાં જ દિકરીઓ માતા બની રહી હોવાના આશ્ચર્યજનક કિસ્સામાં તો બે કેસોમાં તો માત્ર 12 વર્ષની દિકરીઓ માતા બની હોવાની ચોંકવનારી માહિતી બહાર આવી છે. દિવ્ય ભાસ્કરની ટીમે તપાસ કરતાં જાણવા મળ્યુ હતું કે કપરાડા સહિતના આદિવાસી વિસ્તારમાં સગીર યુવક-યવતીઓ નાની ઉમરે સાથે રેહવા લાગે છે અને પુત્રો થયા બાદ લગ્ન કરતા હોય છે.જેના કારણે નાની ઉમંરમા દિકરીઓની ડિલીવરી વધુ થઇ રહી છે.