Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટના સોની વેપારીએ લીંબડીમાં ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું હતું. સોની વેપારીને માનસિક ત્રાસ આપી મરવા મજબૂર કરનારા રાજકોટના 4 શખ્સ સામે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.


શ્રમજીવી સોસાયટી, ઢોલારિયાનગર, બાલાજી એપાર્ટમેન્ટમાં રહેતા સોનાની મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હિરેન અશ્વિનભાઈ આડેસરા(સોની)એ સોનાની ચોરી કરી છે! એવી કબૂલાત કરાવી રાજકોટના સોનાના વેપારી ધર્મેશ પારેખ, અતુલ પારેખ, મનોજ પ્રહલાદભાઈ અને વિવેક ઉર્ફે ભૂવો વિનુભાઈ પટેલે વકીલ પાસે નોટરી લખાણ કરાવી લીધું હતું. નોટરી લખાણ બાદ ચારેય વેપારીએ હિરેન સાથે સમાધાન કરી લીધું હતું.

છેલ્લા એક મહિનાથી ધર્મેશ, અતુલ, મનોજ અને વિવેક પટેલે બાબરિયા કોલોની, રામેશ્વર-5માં રહેતાં હિરેનના પિતા અશ્વિનભાઈ આડેસરાને નોટરી લખાણ સમાજમાં દેખાડી બદનામ કરવાની ધમકી આપી માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તા.14 ઓક્ટોબરે અશ્વિનભાઈ આડેસરા પત્ની ચારૂલતા સાથે વિવાહિત પુત્રી ભાવિકાના ઘરે લીંબડી આવ્યા હતા. બપોર પછી પુત્રીના ઘરેથી નીકળી રાજકોટ જવા માટે પતિ-પત્ની લીંબડી હાઈવે સર્કલ પાસે પહોંચ્યા હતા. જ્યાં 60 વર્ષના અશ્વિનભાઈને ઊલટી થવાનું શરૂ થઈ ગયું હતું. ચારૂલતાબેને ઊલટી થવાનું કારણ પૂછ્યું તો અશ્વિનભાઈએ જણાવ્યું કે, તેમણે ધર્મેશ, અતુલ, મનોજ અને વિવેકના ત્રાસથી કંટાળી તેમને ઝેરી પદાર્થ ગટગટાવી લીધો છે. તેમને સારવાર અર્થે લીંબડી અને ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. અશ્વિનભાઈ પાસેથી સ્યૂસાઈડ નોટ મળી હતી જેમાં ધર્મેશ, અતુલ, મનોજ અને વિવેકના ત્રાસથી કંટાળીને તેમને જીવન ટૂંકાવ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસે મરવા મજબૂર કરનાર ચાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Recommended