ગુજરાતનું અગ્રણી વાડીલાલ ગ્રૂપ પારિવારિક વિવાદમાં સપડાયું છે. લાંબા અંતર બાદ વાડીલાલ પરિવારના વિવાદ પર એનસીએલટીએ (નેશનલ કંપની લાૅ ટ્રિબ્યૂનલ) પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. ગાંધી પરિવાર દ્વારા સંચાલિત વાડીલાલ ગ્રૂપમાં લાંબા સમયથી વિભાજન કરવાને લઇને આંતરિક વિવાદ ચાલી રહ્યો હતો. જેના પર હવે એનસીએલટી કોર્ટે ચુકાદો આપ્યો છે. ગ્રૂપની વેલ્યુ સરેરાશ 3400 કરોડ છે. જ્યારે વાડીલાલ ગ્રૂપના મહત્તમ શેર્સ તેમના જ પરિવારના સભ્યો પાસે છે. કેસ રણછોડ વાડીલાલ ગાંધીના પૌત્ર વીરેન્દ્ર ગાંધી, તેમની પત્ની ઇલા ગાંધી અને પુત્ર જય ગાંધી દ્વારા કરવામાં આવ્યો હતો. અરજી પર વિચાર કરતા એનસીએલટી કોર્ટે પોતાના 18 પોઇન્ટના ચુકાદામાં વિભાજનને મંજૂરી આપી છે. સાથે જ કોર્ટે અરજદાર અને પ્રતિવાદી પ્રત્યેકને 10 લાખ રૂપિયા વડાપ્રધાન રાહત ફંડમાં જમા કરાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે સતત ફરિયાદો, અરજી કરીને બંનેએ કોર્ટ તેમજ સરકારી તંત્રને હેરાન કર્યું છે જેની અવેજીમાં તેઓએ આ રકમ પીએમ રાહત ફંડમાં જમા કરાવવાની રહેશે. કોર્ટમાં કરાયેલી અરજી અનુસાર વર્ષ 1926માં રણછોડલાલ વાડીલાલ ગાંધી દ્વારા કંપની શરૂ કરવામાં આવી હતી. અરજદાર વીરેન્દ્ર ગાંધી પણ એ જ કંપનીના એક શેરધારક છે.