Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી ખાસ કરીને લાલપત્તી ડુંગળીનો વિપુલ જથ્થો ગોંડલ યાર્ડમા ઠલવાતાં આવક બંધ કરવી પડે તેવી નોબત આવી છે. જો કે આ સિઝનમાં આવું બીજી કે ત્રીજી વાર બન્યું છે કે ખેડૂતોને જ્યાં સુધી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી ડુંગળી લઇને આવવા પર મનાઇ કરવી પડી હોય. મોટાભાગના ખેડૂતો ગોંડલ યાર્ડની પસંદગી પોતાની જણસી વેચવા માટે પસંદગી કરતા હોય છે અને અલગ અલગ રાજ્યના વેપારીઓ આવી પહોંચે છે.


ગોંડલ યાર્ડમાં આજે શુક્રવારે ફરી 1.25 લાખ કટ્ટા ડુંગળીની આવક નોંધાઇ હતી અને જેના પગલે યાર્ડનું આખું પરિસર પણ ટૂંકુ પડવા લાગ્યું હતું. યાર્ડની બહાર બન્ને બાજુ 1500થી વધુ વાહનોની 4 થી 5 કિ.મી. લાંબી લાઈનો લાગી જવા પામી હતી અને જેમ જેમ માલની ઉતરાઇ થાય તેમ તેમ વાહનોને અંદર પ્રવેશવા દેવામાં આવ્યા હતા. જો કે ડુંગળીની આટલી જંગી જથ્થામાં આવક થઇ હોવા છતાં ભાવમાં હજુ ધીમો જ ઘટાડો થયો હોવાથી ગૃહિણીઓમાં દેકારો યથાવત રહ્યો છે. શુક્રવારે યાર્ડ ખાતે કરવામાં આવેલી હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂ.200 થી રૂ.950 સુધીના બોલાયા હતા. જો કે આ જ ડુંગળી હોલસેલ અને રીટેલ માર્કેટમાં પહોંચતા સુધી તેનો ભાવ કિલોએ 50 આસપાસ પહોંચી જાય છે તે પણ હકિકત છે. બીજી તરફ આખું પરિસર ડુંગળીથી ભરાઇ જતાં યાર્ડના સત્તાધિશો દ્વારા ડુંગળીની આવકને લઈને જ્યાં સુધી અન્ય કોઈ જાહેરાત ન કરાય ત્યાં સુધી આવક સંદતર બંધ કરી છે.