31મી ડિસેમ્બરે રાત્રે વાડી પોલીસે પકડેલા બુટલેગરને 12 બિયર સાથે ઝડપ્યા બાદ 50 હજાર રૂપિયા લઈને તેને છોડી મૂક્યો હોવાનો આરોપ બુટલેગર દ્વારા લગાવતો વીડિયો વાઇરલ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. બુટલેગર પાસેથી દોઢ લાખની માંગણી પોલીસે કરી હતી. અંતે 50 હજારમાં પતાવટ થઈ હોવાનો આરોપ લગાવતો વિડિયો વાઇરલ થયો છે. જેમાં પોલીસે બિયર પણ લઇ લીધું હોવાનો આરોપ લગાવ્યો છે.
અગાઉ દારૂ વેચતા અનેક વાર ઝડપાયેલા નગીન ભીખાભાઈ જાદવ નામના બુટલેગરનો વિડિયો વાઇરલ થયા બાદ સ્થાનિક ચેનલને પણ આપેલા ઇન્ટરવ્યૂમાં બુટલેગરે આખી ઘટના વર્ણવી હતી અને પોલીસે રૂપિયા લીધા બાદ પણ એક્ટિવા અને મોબાઈલ જપ્ત કરી હોવાનુ જણાવતા પોલીસ બેડામાં પણ ચકચાર જાગી છે.
ચેકીંગ માટે મને અટકાવ્યો અને12 બિયર સાથે મને ઝડપ્યો
વિડિયોમાં બુટલેગર નગીન જણાવી રહ્યો છે કે હું દંતેશ્વર તરફથી એક્ટિવાની ડેકીમાં 12 બિયર લઈને આવી રહ્યો હતો ત્યારે વાડી પોલીસ મથકની હદમાં આનંદસિંહ અને જંબા બાપુ નામના પોલીસ કર્મચારીઓએ ચેકીંગ માટે મને અટકાવ્યો હતો અને 12 બિયર સાથે મને ઝડપ્યો હતો. મેં છોડી દેવા જણાવતા મને વેહવાર કરવો પડશે એમ જણાવ્યું હતું. તેઓએ મારી પાસે દોઢ લાખ રૂપિયાની માંગણી બંને દ્વારા કરી જો માંગેલી રકમ આપશે તો એક જ બિયરનો કેસ કરી મોબાઈલ અને એક્ટિવા પણ જપ્ત નહિ કરે એમ જણાવ્યું હતું.
50 હજાર રૂપિયા નક્કી થતાં મેં રૂપિયા આપી દીધા
રકઝકના અંતે 50 હજાર રૂપિયા નક્કી થતાં મેં રૂપિયા આપી દીધા બાદ પણ પોલીસે એક્ટિવા અને મોબાઈલ ફોન જપ્ત કરી લીધા હતા. સાથે મારી 11 બિયર પણ લઇ લીધી હોવાથી મને ગુસ્સો ચડતાં મે વિડિયો આ વાઇરલ કર્યો છે તેમ બુટલેગરે જણાવ્યું હતું.
વીડિયોમાં લગાવવામાં આવેલા તમામ આરોપની તપાસ કરીશું : એસીપી
એસિપી ઇ ડિવિઝન જી.ડી.પલસાણા એ જણાવ્યું હતું, બુટલેગર પાસે થી વાડી પોલીસે રૂપિયા લઈ છોડી દીધો હોવાનો વિડિયો બહાર આવ્યો છે બુટલેગરે લગાવેલા આરોપો ની તપાસ થશે હાલ વિડિયો ની ચકાસણી ચાલી રહી હોવાનું એ સી પી એ જણાવ્યું હતું.