સોનાની કિંમત ફરી એકવાર આક્રમક તેજી જોવા મળી છે. મુંબઇમાં સોનું 27 મહિનાની ટોચે એટલે કે રૂ.53,600 (10 ગ્રામ) પર પહોંચી છે. અગાઉ 18 ઑગસ્ટ 2020ના રોજ સોનું 53,815 રૂપિયાના સ્તરે જોવા મળ્યું હતું. વાસ્તવમાં ડૉલરમાં ઘટાડાને કારણે દુનિયાભરમાં સોનાની કિંમતમાં ઉછાળો નોંધાયો છે. જેની અસર ભારતના માર્કેટ પર પણ જોવા મળી છે.
વિશ્લેષકો અનુસાર 2023માં પણ સોનાની કિંમતમાં તેજી યથાવત્ રહેશે. અમદાવાદ ખાતે 55000ની સપાટી કુદાવી 55200 અને ચાંદી 64000 બોલાતી હતી. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર શુક્રવારે 24 કેરેટ સોનાની કિંમત રૂ. 53,611 પ્રતિ ગ્રામ નોંધાઇ હતી. માત્ર બે દિવસમાં સોનું 860 રૂપિયા અને ગત 10 દિવસમાં સોનું 1,261 રૂપિયા ઉછળ્યું છે. 23 નવેમ્બરના રોજ સોનાની કિંમત 52,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. વર્ષ 2022માં અગાઉ માત્ર એકવાર 18 એપ્રિલના રોજ સોનું 53,600ને ક્રોસ કરીને 53,603ની સપાટીએ જોવા મળ્યું હતું.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઉંચકાઇ 1813 ડોલર ક્વોટ થવા લાગ્યું છે. નિષ્ણાતોના મત મુજબ સોનું સાપ્તાહિક ધોરણે 1830 ડોલરની સપાટી કુદાવે તો ઝડપી 1870-1900 ડોલર સુધી પહોંચી શકે છે. સોનાની સાથે ચાંદી પણ ઝડપી 23-24 ડોલરની સપાટી આંબે તેવો અંદાજ છે. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો વધુ નબળો પડે અને વૈશ્વિક બજારમાં ભાવ ઉંચકાઇ તો સ્થાનિકમાં ઝડપી તેજીના સંકેતો છે. લગ્નગાળાની માગના કારણે તેજી જળવાઇ રહેશે.
અમેરિકાની સેન્ટ્રલ બેન્કના ચેરમેન જેરોમ પોવેલે કહ્યું હતું કે ડિસેમ્બર અને ત્યારબાદ વ્યાજદરોમાં ઓછો વધારો કરાશે. કેડિયા એડવાઇઝરીના ડાયરેક્ટર અજય કેડિયા અનુસાર, તેને કારણે ડૉલરમાં ઘટાડો થઇ રહ્યો છે. ડૉલર ઘટવાથી સોનામાં તેજી આવે છે. ઓરિગો કોમેડિટીઝના સીનિયર મેનેજર ઇન્દ્રજીત પૉલે કહ્યું કે આગામી સપ્તાહમાં સોનામાં તેજી યથાવત્ રહી શકે છે.