ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે સોમવારે ઇઝરાયલ સંસદ નેસેટનું સત્ર શરૂ થયું. ‘ટાઈમ્સ ઓફ ઈઝરાયલ’ના અહેવાલ મુજબ સત્રની શરૂઆત પહેલાં હમાસ દ્વારા તેલ અવીવ અને જેરુસલેમ પર લાંબા અંતરના રોકેટ છોડવામાં આવ્યા હતા. સુરક્ષાના કારણોસર વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સહિત તમામ સાંસદો સંસદની નીચે બનેલા બંકરોમાં થોડા સમય માટે છુપાયા હતા.
ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે કહ્યું છે કે 199 લોકો હમાસની કેદમાં છે. ગાઝામાં બંધકોને રાખવામાં આવ્યા છે. અહીં, ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે, લેબનોનમાં વધુ એક મોરચો ખુલ્યો છે. ઇઝરાયલે કહ્યું છે કે લેબનોન બોર્ડર પર 2 કિલોમીટર દૂર સુધીનો વિસ્તાર પણ ખાલી કરાવવામાં આવશે. રવિવારે લેબનોનમાં હિઝબુલ્લાહના હુમલા બાદ ઈઝરાયેલે જવાબી કાર્યવાહી કરી હતી.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન ટૂંક સમયમાં ઈઝરાયેલની મુલાકાત લઈ શકે છે. જો કે હજુ તારીખ નક્કી કરવામાં આવી નથી. એક અમેરિકન અધિકારીએ ન્યૂઝ એજન્સી એપીને જણાવ્યું - આ ઇઝરાયેલ સાથે એકતા વ્યક્ત કરવાનો અને માર્યા ગયેલા લોકો માટે સંવેદના વ્યક્ત કરવાનો એક માર્ગ હશે.