ગુજરાતમાં તાજેતરમાં IPS અધિકારીઓની બદલી આવી અને તેમાં ઘણા એવા નિર્ણયો થયા જેમાં કેટલાક લોકોને તકલીફ પડી છે. જેમાં ખાસ કરીને અમદાવાદનો એક ટપોરી જે અગાઉ અધિકારીઓની આઘીપાછી કરવા માટે જાણીતો હતો. એટલું જ નહીં નવા સાહેબ આવે તો નોનવેજનું ટિફિન લઇને પહોંચી જતો અને રોજ અલગ અલગ ઓફિસોના ચક્કર લગાવતો હતો. પરંતુ તેમના આકા ગણાતા IPS અધિકારીની બદલી થઈ ગઈ અને હવે તેનું શું થશે તેમ કહીને તે બીજી એજન્સીના દરવાજા ખખડાવવા લાગ્યો છે. એક સમય એવો હતો કે તે કહેતો કે મારા સાહેબ બધુ કરી દેશે, પરંતુ હવે નીચી કક્ષાના પોલીસ કર્મચારીઓ પણ તેને ગાંઠતા નથી.
છેલ્લા 1 વર્ષથી સુરત ક્રાઈમ બ્રાન્ચમાં એસીપી નથી. 1 વર્ષ પસાર થઈ ગયું હોવા છતાં સુરત ક્રાઈમ બ્રાન્ચમાં એસીપીની નિમણૂક ન થવા અંગે ચર્ચાઓ જોર પર છે. માનવામાં આવે છે કે, ગૃહ વિભાગ આગામી દિવસોમાં ડીવાયએસપીના બદલીના આદેશ કરશે. 1 વર્ષ પછી સુરત ક્રાઈમ બ્રાન્ચના એસીપી કોણ બનશે તેની ચર્ચા ખૂબ જ ઉઠી રહી છે. મહત્ત્વનું છે કે, સુરત ક્રાઈમ બ્રાન્ચના એસીપી બનવા માટે ઘણા અધિકારીઓ અમદાવાદ સુધી દોડ કરી રહ્યા છે. આ પદ માટે ઉચ્ચ અધિકારીઓથી લઈને રાજકીય નેતાઓ સુધી સતત સંપર્ક કરીને અને ફોન પર ફોલોઅપ લઈને પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સુરત શહેર અને જિલ્લામાં આવા ઘણા અધિકારીઓ છે જેઓ છેલ્લા ઘણા વર્ષોથી સુરત છોડવા માંગતા નથી. ઉલ્લેખનીય છે કે, 1 વર્ષ પહેલાં સુરત ક્રાઈમ બ્રાંચના એસીપી ભાવેશ રોઝિયા હતા. 1 વર્ષ પહેલાં નવેમ્બરમાં ગૃહ મંત્રાલયે તેમને આઉટ ઓફ ટર્ન પ્રમોશન આપીને સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (એસપી) બનાવ્યા હતા. પ્રમોશન બાદ તેઓ ક્રાઈમ બ્રાંચના એસીપીમાંથી સીધા ડીપીસી બની ગયા. ત્યારથી આ પદ ખાલી છે. હાલના સમયે, છેલ્લા 1 વર્ષથી એસીપીથી ડીસીપી બનેલા ભાવેશ રોઝિયા એસીપીનો પણ ચાર્જ સંભાળી રહ્યા છે.