ટેલિકોમ સેક્ટરમાં રિલાયન્સ જીયોના આગમન બાદથી જોવા મળી રહેલી સ્પર્ધા વચ્ચે ત્રીજા સૌથી મોટા ટેલિકોમ-ઓપરેટર વોડાફોન-આઇડિયા સંકટના દોરમાંથી પસાર થઇ રહી છે. કંપનીના યૂઝર્સમાં સતત ઘટાડાને કારણે ખોટ પણ વધી રહી છે. જેને કારણે હવે કંપનીના સંચાલનને લઇને પણ અનિશ્વિતતાનો માહોલ છે.
એક સમયે દેશમાં સૌથી મોટી ટેલિકોમ કંપનીનો ખિતાબ હાંસલ કરનારી VIએ જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 60 લાખ યૂઝર્સ ગુમાવ્યા છે. અગાઉના ક્વાર્ટરમાં પણ 34 લાખ યૂઝર્સ ઘટ્યા હતા. વોડાફોન-આઇડિયાનો યૂઝર બેઝ ઘટીને 23.44 કરોડ નોંધાયો છે. જે રિલાયન્સ જીયોના યૂઝર્સ બેસ કરતાં અડધો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પણ કંપનીની ખોટ વધીને 7595 કરોડ રૂપિયા નોંધાઇ હતી.