ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપની છેલ્લી સુપર-4 મેચ સુપર ઓવરમાં ગઈ હતી. અર્શદીપ સિંહની સટીક બોલિંગના કારણે શ્રીલંકા માત્ર 2 રન બનાવી શક્યું હતું. શ્રીલંકન ટીમે 4 બોલમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ પહેલા બોલે જ 3 રન ચેઝ કરી લીધા. આ એશિયા કપમાં ભારત હજુ સુધી અજેય રહી છે. હવે 28 સપ્ટેમ્બરે રવિવારે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે એશિયા કપની ફાઈનલમાં ટકરાશે.
શુક્રવારે રાત્રે, ભારતીય ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 202 રન બનાવ્યા. જવાબમાં, શ્રીલંકાની ટીમે પણ 20 ઓવરમાં 5 વિકેટે 202 રન બનાવ્યા. મેચનો નિર્ણય સુપર ઓવરમાં લેવામાં આવ્યો.
દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં 203 રનના ટાર્ગેટ ચેઝ કરતા, શ્રીલંકાની ટીમ માટે પથુમ નિસાંકાએ 58 બોલમાં 107 રન બનાવ્યા. તેણે કુસલ પરેરા (58 રન) સાથે 127 રનની ભાગીદારી કરી. આ ભાગીદારીથી મેચ ટાઈ થઈ.
અગાઉ, ભારતીય ટીમે વર્તમાન એશિયા કપમાં પહેલીવાર 200 થી વધુ રન બનાવ્યા હતા. ઓપનર અભિષેક શર્માએ 31 બોલમાં 61 રન બનાવ્યા. તિલક વર્માએ 49 રનની અણનમ ઇનિંગ રમી. સંજુ સેમસને 39 રન અને અક્ષર પટેલે અણનમ 21 રન બનાવ્યા. શ્રીલંકાના પાંચ બોલરોએ એક-એક વિકેટ લીધી. જેમાં મહિશ થિક્સાના, દુષ્મંથા ચમીરા, વાનિન્દુ હસરંગા, દાસુન શનાકા અને ચરિથ અસલંકાનો સમાવેશ થાય છે.