ભાવિ ડોકટર સાથે મેડિકલ કોલેજના જ પી.જી.માં ભણતા ડોકટરે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરવાના બનાવમાં પોલીસે ફરિયાદ નહીં લેતા બુધવારે રાત્રે 4 કલાક સુધી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ નિલમબાગ પોલીસ મથકને ઘેરાવ કર્યો હતો જયારે ગુરૂવારે બનાવનો ભોગ બનનાર વિદ્યાર્થી, વાલી અને તેના ગામના સરપંચ સહિતના પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા બાદમાં પોલીસે ભોગ બનનાર યુવાન ફરિયાદ કરવા નથી માંગતો તેમ જણાવેલ છે.
54 જેટલા વિદ્યાર્થીઓ સાથે આવો બનાવ બન્યાનો આક્ષેપ
જયારે વિદ્યાર્થીઓએ આ માનસીક વિકૃતિ ધરાવતા ડોકટરે 54 થી વધુ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે આવુ દુષ્કૃત્ય કર્યું હોવાનું જણાવ્યું હતું પણ મેડિકલ કોલેજના ડીન ડો.હેમંત મહેતાએ આવી ફરિયાદ મળી હોવાનું નકારી કાઢયું હતું. ભાવનગર મેડીકલ કોલેજના રેસીડેન્ટ પ્રોફેસર હરીશ વૈગીએ તેની કોલેજના એક વિદ્યાર્થી સાથે ગત. તા. 12-5ના રોજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાના આક્ષેપ સાથે શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જો કે, વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ વિકૃત મનોવૃતી ધરાવતા પી.જી.ના ડોક્ટરે 54 થી વધુ વિદ્યાર્થીઓ સાથે જુદી જુદી રીતે હરકતો કરી હોવાની વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી.