પાલનપુરમાં રહેતી એક યુવતીના લગ્ન વડગામ તાલુકાના મુમનવાસ ગામે થયા હતા. જોકે, લગ્નજીવન દરમિયાન સંતાન ન થતાં પતિએ ત્રણ તલાક આપી સગા બનેવી સાથે હલાલો કર્યો હતો. અને પુન: સ્વીકારવાનો વાયદો કર્યો હતો. જોકે, ત્યાં પણ સંતાન ન થતાં તેણીનો અસ્વીકાર કરી દગો કર્યો હતો. આ અંગે પત્નીએ તેના પતિ સહિત સાસરિયાં સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પાલનપુરમાં રહેતી એક યુવતીના લગ્ન વર્ષ 2016 ની સાલમાં મુસ્લિમ સમાજના સરીયત મુજબ વડગામ તાલુકાના મુમનવાસ ગામે રહેતા ઈલીયાસભાઈ સુલેમાનભાઈ માકણોજીયા સાથે થયા હતા. લગ્નના થોડાક સમય લગ્ન જીવન સારું ચાલ્યા બાદ તેણીને સંતાન ન થતાં પતિ દ્વારા તસલીમબેનને અવાર-નવાર મારપીટ કરી અપશબ્દો બોલી મારવાની ધમકીઓ આપી હતી. તેમજ 2018 માં બે વખત તલાક- તલાક આપેલ તેમજ ત્રીજી વાર 2022 માં તલાક આપ્યા હતા.અને પોતાના બનેવી સાથે હલાલો કરી પુન: સ્વીકારવાનો વાયદો કર્યો હતો. જોકે, તે પછી પતિએ તેણીનો સ્વીકાર કર્યો ન હતો. ઉલટાનું સમાજની બહાર મુકી દીધી હતી.
આ અંગે તેણીએ પતિ તેમજ પોતાને વાંજણી કહી મ્હેણા ટોણા મારનાર પરિવારના ઇલીયાસ માકણોજીયા, ઈરફાનભાઇ માકણોજીયા, મહંમદભાઈ માકણોજીયા, અરમાનભાઈ માકણોજીયા, રૂકશાનાબેન માકણોજીયા સામે મહીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.