રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદાર સમાજના લોકો સામે થયેલા કેસો પૈકીના કેટલાક કેસ તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા પરત લેવામાં આવ્યા હતા. ત્યારે હવે ક્ષત્રિય સમાજ દ્વારા પણ પદ્યાવત ફિલ્મ સમયે અને અસ્મિતા આંદોલન સમયે થયેલા કેસો પરત લેવાની માગ કરી છે. ગુજરાત રાજ્યની રાજપૂત સમાજની સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા મુખ્યમંત્રી, ગૃહરાજ્યમંત્રી સહિતના નેતાઓને પત્ર લખી કેસો પરત લેવાની માગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પદ્માવત ફિલ્મ અને ક્ષત્રિય અસ્મિતા આંદોલનના કુલ અંદાજિત 15 કેસ છે જેમાંથી બે કેસ પરત ખેંચાઈ ગયા છે. 13 જેટલા કેસ પરત ખેંચવાના બાકી છે.
ક્ષત્રિય સમાજે વિરોધ નોંધવ્યો હતો સંકલન સમિતિ દ્વારા લખવામાં આવેલા પત્રમાં જણાવ્યું છે કે, ભૂતકાળમાં ક્ષત્રિય અસ્મિતા આંદોલન (2024), અને પદ્માવત ફિલ્મ (2018)ના વિરોધમાં ગુજરાતભરના ગામેગામ અને શહેરોમાંથી સ્વયંભૂ સામાજીક આંદોલન માટે ક્ષત્રિય સમાજના યુવાનો, વડીલો અને બહેનોએ વિરોધ નોંધવ્યો હતો. સમાજના દરેક વ્યક્તિની લાગણી દુભાયેલી હોવાથી, વિરોધ પ્રદર્શિત કરતી વખતે કાયદાની રાહે વિરોધ કરતા હતા તે વખતે આ સાથે સામેલ દર્શાવેલી વિગતો અને તે ઉપરાંત અન્ય કેસો રાજપૂત સમાજના યુવાનો ઉપર દાખલ થયા છે.