ઉત્તર ભારતના ખેડૂતો બાદ હવે ગુજરાતના પાટીદાર ખેડૂતો પોષણક્ષમ ભાવ ન મળતાં સંગઠિત થશે. પાટીદાર સમાજ સંગઠન પાટીદાર ખેડૂતોને સંગઠિત અને સક્રિય કરવા માટે પ્રથમ વખત ફેબ્રુઆરીમાં વડોદરામાં 1 લાખ પાટીદાર ખેડૂતોનું મહા સંમેલન યોજશે. જેમાં પોષણક્ષમ ભાવ ન મળવો, રાજ્યની મોટા ભાગની એપીએમસી બંધ હાલતમાં હોવા ઉપરાંત વચેટિયાઓને કારણે ખેડૂતોને થતા નુકસાન, શિક્ષિત બેરોજગારી સહિતના મુદ્દાઓને લઈને પાટીદાર અગ્રણીઓ ચર્ચા કરી નિર્ણયો પણ લેશે.
વડોદરા જિલ્લા પાટીદાર સમાજ સંગઠનના પ્રમુખ કલ્પેશ પટેલ (જિયા તલાવડીવાળા) એ જણાવ્યું હતું કે, રાજ્યમાં ખેડૂતો ધીરેધીરે પાયમાલ થઈ રહ્યા છે. જેમાં વચેટિયાઓ મોટો ભાગ ભજવી રહ્યા છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા. ખેડૂતને એક દાખલો કઢાવવો હોય તોપણ અનેક ધક્કા ખાવા પડે છે. રાજ્યની મોટા ભાગની એપીએમસીઓ બંધ હાલતમાં પડેલી છે. સહિતના ખેડૂતોના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે વડોદરા જિલ્લા પાટીદાર સમાજ સંગઠન દ્વારા મધ્ય ગુજરાતમાં પ્રથમ વખત વડોદરા ખાતે ફેબ્રુઆરીમાં ખેડૂતોના મહા સંમેલનનું આયોજન કરવા જઈ રહ્યું છે, જેમાં 1 લાખ ખેડૂતો ઉપસ્થિત રહેશે.