ભાજપા દ્વારા મહાનગરોના વોર્ડ પ્રમુખ અને તાલુકા પ્રમુખોની પસંદગી માટે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીના પગલે સુસવાટા મારતી ઠંડીમાં ભાજપના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આજે સાવલી તાલુકા પ્રમુખ પદ માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન પ્રમુખ પદના એક દાવેદારનું ફોર્મ રિજેક્ટ કરવામાં આવતા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાંક હોદ્દેદારો અને કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. એક તબક્કે નિરીક્ષકોના ટેબલો ઉપર પડેલી ફાઈલો ઉછાળવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
મળેલી માહિતી પ્રમાણે આજે સાવલી તાલુકા પ્રમુખ પદ માટે નિરીક્ષકો અમીત ચૌધરી, જયદીપસિંહ ઠાકોર, સ્થાનિક મહેશભાઇ દાજી અને નટુભાઇ સોલંકીની ટીમ દ્વારા સાવલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન પ્રમુખ પદના દાવેદારો તેમજ તાલુકાના બુથ પ્રમુખો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.