ગુજરાતી યુવતી નમસ્વી ભટ્ટે અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટ કેપિટલ બિલ્ડિંગ ખાતે આવેલા જ્યોર્જિયા હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં હાઉસ પેજ તરીકે સેવા આપવાની સિદ્ધિ મેળવી. આ તકે તેની સાથે રિપ્રેઝેન્ટેટિવ સૂ હોંગ પણ હાજર રહ્યા હતા. નમસ્વીએ સૂ હોંગ સાથે રહીને હાઉસના કામકાજ અંગેની માહિતી મેળવી હતી. સૂ હોંગ જ્યોર્જિયા હાઉસના રિપ્રેઝેન્ટેટિવ છે અને ગૃહમાં સેવા આપનારા કોરિયન મૂળના પ્રથમ મહિલા છે.
હાઉસ પેજ એ એવો પ્રોગ્રામ છે જેમાં જ્યોર્જિયાના 12થી 18 વર્ષની વચ્ચેના વિદ્યાર્થીઓ સ્ટેટ કેપિટલની મુલાકાત લઇ શકે છે અને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સના સભ્યોને મદદ કરે છે. આ પ્રોગ્રામ નેતાઓ અને વિદ્યાર્થીઓ વચ્ચેની કડી સમાન છે.
જ્યોર્જિયા હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ એ અમેરિકાના જ્યોર્જિયા રાજ્યની જનરલ એસેમ્બલીનું નીચલું ગૃહ છે. જેમાં હાલમાં 180 ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે. વર્ષ 2005થી આ ગૃહમાં રિપબ્લિકન્સની બહુમતી છે. જોન બર્ન્સ આ ગૃહના સ્પીકર છે.