કુવાડવા તાબેના સોખડાના વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરતા પરિવારની 16 વર્ષની પુત્રી 10 દિવસ પહેલાં ભેદી રીતે ગુમ થઇ ગઇ હતી. પુત્રીની બે દિવસ સુધી બધે તપાસ કરી હતી તેમ છતાં કોઇ ભાળ મળી ન હતી. દરમિયાન ભેદી રીતે ગુમ થયેલી પુત્રી અચાનક પરત ઘરે આવી હતી. બે દિવસથી ઘરે આવી ગયા બાદ ગુમસુમ રહ્યાં કરતી હતી. ક્યાં ગઇ હતી તે સહિતનું અનેક વખત પૂછવા છતાં તે કંઇ બોલતી ન હતી. બાદમાં પુત્રીને ફોસલાવી ક્યાં ગઇ હતી તે અંગે પૂછપરછ કરતા તેને જણાવ્યું કે, વીંછિયા તાબેના છાસિયા ગામે રહેતા જય રઘુ ચુડા (ઉ.વ.22) સાથે ઓળખાણ હોય તેને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો.
રઘુ તેની સાથે લઇ ગયા બાદ પોતાને ભાવનગર રોડ પર આવેલી હોટેલ પર લઇ ગયો હતો. જ્યાં બે દિવસ રોકાયા હતા. રોકાણ દરમિયાન રઘુએ પોતાની સાથે મરજી વિરુદ્ધ બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. હોટેલમાં બે દિવસ રોકાયા બાદ રઘુ પોતાને પરત મૂકીને જતો રહ્યો હોવાની વાત કરી હતી. 16 વર્ષની તરુણવયની પુત્રીની વાત સાંભળી પરિવારજનોના પગ નીચેથી જમીન ખસી ગઇ હોય તેવો ઘાટ સર્જાયો હતો. પીઆઇ બી.ટી.અકબરીએ અપહરણ, પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.