સાબરમતી રેલવે સ્ટેશનનું 301 કરોડના ખર્ચે રિડેવલપમેન્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ કામગીરી ઓગસ્ટ 2025 સુધીમાં પૂરી થઈ જશે. સાબરમતીના બંને સ્ટેશન જેલ રોડ અને ધર્મનગર સ્ટેશન એકબીજા સાથે પાથવે તેમજ ટ્રાવેલેટર સાથે જોડાઈ જશે. 120 મીટર લાંબો અને 36 મીટર પહોળો કોન્કોર્સ એરિયા બનાવાશે. સાબરમતી ધર્મનગર તરફ 7 પ્લેટફોર્મ તેમજ જેલ રોડ તરફ 3 પ્લેટફોર્મ તૈયાર થઈ જતાં ટ્રેનોની સંખ્યા ડબલ થઈ જશે.
હાલમાં ધર્મનગર સ્ટેશનથી 33 ટ્રેન પસાર થાય છે અને ત્યાંથી 7 ટ્રેન ઓપરેટ થાય છે. જેલ રોડ સ્ટેશનથી 11 ટ્રેન પસાર થાય છે અને 3 ટ્રેન ઓપરેટ થાય છે. સાબરમતી સ્ટેશન બુલેટ ટ્રેનના મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ, મેટ્રો સ્ટેશન તેમજ બીઆરટીએસ સ્ટેન્ડ સાથે 10 મીટરની ઉંચાઈએ એકબીજા સાથે જોડવામાં આવશે. સીપીઆરઓ સુમિત ઠાકુર અને આ પ્રોજેક્ટના ડેપ્યુટી ચીફ પ્રોજેક્ટ મેનેજર અનંત કુમારે જણાવ્યું કે, સ્ટેશનની ડિઝાઇનમાં મહાત્મા ગાંધીની છબી અને તેમની સાથે સંકળાયેલ વસ્તુઓ પ્રતીકાત્મક સ્મૃતિ તરીકે મુકાશે.