કરવા ચોથ 13 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે. પરિણીતાઓનું આ પર્વ દ્વાપર યુગથી ચાલી રહ્યું છે. પરિણીતા મહિલાઓ પતિની લાંબી ઉંમરની કામના સાથે આ વ્રત કરે છે. આયુર્વેદની દૃષ્ટિએ શરદ ઋતુમાં આવતા આ વ્રતને કરવાથી મહિલાઓનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. સૂર્યોદય સાથે જ આ વ્રત શરૂ થઈ જાય છે. જે સાંજે ચંદ્રની પૂજા પછી પૂર્ણ થાય છે. આ વખતે કરવા ચોથના દિવસે શુક્ર અસ્ત રહેશે.
કરવા ચોથના દિવસે શુક્ર અસ્ત રહેશે
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે 2 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી શુક્ર અસ્ત રહેશે. મુહૂર્ત ચિંતામણિ ગ્રંથમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે શુક્ર અસ્ત હોવાથી માંગલિક કાર્યો સાથે સૌભાગ્ય પર્વ એટલે કરવા ચોથ વ્રતની શરૂઆત પણ કરી શકાય નહીં. એટલે જે મહિલાઓ માટે આ પહેલું કરવા ચોથ છે તેઓ આ વર્ષે આ વ્રત રાખી શકસે નહીં. આ સિવાય જે મહિલાઓ પહેલાંથી જ આ વ્રત કરી રહી છે તેમને શુક્ર અસ્તનો દોષ લાગશે નહીં.
કાશી વિદ્વત પરિષદના મહામંત્રી પ્રો. રામનારાયણ દ્વિવેદીના જણાવ્યા પ્રમાણે આ વખતે કરવા ચોથના દિવસે શુક્ર અસ્ત હોવાથી નવી પરિણીત મહિલાઓ આ વ્રત કરી શકશે નહીં. પરંતુ જે મહિલાઓ પહેલાંથી જ આ વ્રત કરી રહી છે તેમને કોઈ દોષ લાગશે નહીં. પરંતુ આ વખતે ગુરુ પોતાની જ રાશિમાં હોવાથી અને ગુરુવાર હોવાથી આ વ્રતનું શુભફળ અનેકગણું વધી જશે.
તિરૂપતિના જ્યોતિષાચાર્ય ડો. કૃષ્ણકુમાર ભાર્ગવ જણાવે છે કે શુક્ર ગ્રહના અસ્ત રહેતા નવા વ્રતની શરૂઆત અને અંત એટલે કે પારણાં કરી શકાશે નહીં. આવું જ્યોતિષ ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. એટલે આ વખતે જેમનું પહેલું કરવા ચોથ વ્રત છે તેઓ વ્રત રાખી શકશે નહીં.