જિલ્લાની બે બેઠકો ઉપર ઉમેદવાર જાહેર કર્યા બાદ નવસારીની બેઠક માટે ઉમેદવાર જાહેર કરવામાં કોંગ્રેસે વિલંબ કરતા તર્કવિતર્ક થઈ રહ્યા છે. નવસારી જિલ્લાની 4 બેઠકોમાંથી 2 બેઠકો જલાલપોર અને ગણદેવી પર કોંગ્રેસે 5 દિવસ અગાઉ જ ઉમેદવાર જાહેર કરી દીધા હતા. જોકે નવસારી અને વાંસદાના ઉમેદવાર સત્તાવાર જાહેર કર્યા ન હતા અને ગુરુવારે સાંજ સુધી કર્યા ન હતા. વાંસદામાં તો કોંગ્રેસના જ ધારાસભ્ય અનંત પટેલ હોય મોટાભાગના લોકો તેઓ રિપિટ થશે એમ માની રહ્યાં છે. નવસારી બેઠક માટે નામ જાહેર કરવામાં કોંગ્રેસ વિલંબ કરી રહી છે.
ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર 46 હજારથી વધુ મતથી પરાજિત થયા હતા. એમાંય ગુરુવારે તો હરીફ પક્ષ ભાજપે વર્તમાન ધારાસભ્યને કાપી અન્યને ટિકિટ આપતા કોંગ્રેસ ટિકિટ આપવામાં રણનીતિ બદલે એમ પણ લાગી રહ્યું છે. કોંગ્રેસ અનાવિલ, કોળી યા અન્ય જ્ઞાતિનો વગદાર ઉમેદવાર શોધી રહ્યાંનું જાણવા મળ્યું છે.