ઈઝરાયલ અને હમાસ ગાઝામાં 15 મહિનાથી ચાલેલા યુદ્ધને રોકવા માટે સંમત થયા છે. યુદ્ધવિરામ દરમિયાન હમાસ ગાઝામાં બંધક બનેલા ઈઝરાયલી નાગરિકોને મુક્ત કરશે. બદલામાં ઈઝરાયલ હમાસના લોકોને પણ મુક્ત કરશે. જો કે, યુદ્ધવિરામ અંગે સત્તાવાર જાહેરાત હજુ થવાની બાકી છે.
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ગાઝામાં યુદ્ધવિરામ સમજૂતી થઈ ગઈ છે. તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું- અમે મધ્ય પૂર્વમાં બંધકો માટે કરાર કર્યો છે. તેમને ટૂંક સમયમાં જ મુક્ત કરવામાં આવશે.
અલઝઝીરાના અહેવાલ મુજબ, કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન બિન જાસિમ અલ થાની બુધવારે હમાસ અને ઈઝરાયલના પ્રતિનિધિઓને મળ્યા હતા, જે બાદ આ ડીલ પૂર્ણ થઈ હતી.
ગાઝામાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબર, 2023થી યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં બંને પક્ષના 47 હજારથી વધુ લોકો માર્યા ગયા.