શહેરના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ‘’વિકસિત ભારત 2047-સંવાદ’’ કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે હાજરી આપી ઉપસ્થિત લોકો સાથે સંવાદ કર્યો હતો. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ રાજકોટ અને સૌરાષ્ટ્રને આગામી દિવસોમાં શું શું સુવિધા-વ્યવસ્થા મળવાની છે તેની વાત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, હાલ સુરેન્દ્રનગર-રાજકોટનું ડબલ ટ્રેકનું કામ પૂર્ણ થઇ ગયું છે. આગામી દિવસોમાં રાજકોટ-અમદાવાદ રૂટ પર ટ્રેન 130 કિ.મી પ્રતિ કલાકની ઝડપે દોડાવશે. યાત્રિકો રાજકોટથી અમદાવાદ માત્ર બેથી સવા બે કલાકમાં જ પહોંચી શકાશે. વધુમાં તેમણે કહ્યું કે, અમદાવાદ-મુંબઈ વચ્ચેના ટ્રેક પર ફેન્સિંગનું કામ કર્યું છે જેથી પશુ ટ્રેક પર આવે નહીં અને અકસ્માત ન સર્જાય. આવી જ ફેન્સિંગ હવે રાજકોટ-અમદાવાદ વચ્ચે પણ નાખવામાં આવશે. આ કાર્યક્રમમાં ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો તેમજ રાજકોટ શહેરના ઉદ્યોગકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટનું રેલવે સ્ટેશન કેવું હોવું જોઈએ તે માટે કેન્દ્રીય રેલવે મંત્રીએ નાગરિકો પાસે જ સૂચનો માગ્યા હતા. સૂચનો, રેલવે સ્ટેશનની ડિઝાઇન, જરૂરિયાત, સહિતની બાબતો લોકો ચેમ્બરને જણાવે. ચેમ્બરના લોકો આગામી દોઢ માસમાં બધું ભેગું કરી રૂબરૂ આવશે એટલે પ્રેઝન્ટેશન સાથે ચર્ચા કરી રાજકોટની ડિઝાઇન તૈયાર કરવાનું જણાવ્યું હતું. રેલવે સાથે સાથે IT ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની વાતમાં જણાવ્યું હતું કે, આજે સેમી કંડક્ટર વિશે પણ કામગીરી ચાલી રહી છે. રેલવે હાલ વંદે સ્લિપર અને વંદે મેટ્રો ટ્રેન ઉપર કામ કરી રહ્યું છે. વંદે મેટ્રો સંભવત: જુન-જુલાઈમાં લોન્ચ કરાશે. ભવિષ્યમાં આવી વંદે ભારત મેટ્રો રાજકોટ-અમદાવાદ વચ્ચે દોડાવી શકાય. કાર્યક્રમમાં ચેમ્બરના પ્રમુખ વી.પી વૈષ્ણવ, પાર્થ ગણાત્રા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.