શહેરની ભાગોળે ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક મુન્નાભાઇ એમબીબીએસ બનીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અગાઉ પકડાયા છે, લોધિકાના ઢોલરામાં પાંચ વર્ષથી ડોક્ટર બનીને પ્રેક્ટિસ કરતાં ધોરણ 10 સુધી અભ્યાસ કરનાર નકલી ડોક્ટરની પોલીસે ધરપકડ કરી હતી તેમજ સડક પીપળિયામાં હોમિયોપેથિક ડોક્ટર એલોપેથિક સારવાર કરતો હતો.
લોધિકાના ઢોલરામાં ચંદુભાઇ કાકડિયાના મકાનમાં ચાલતી ક્લિનિકમાં રાજેશ ભીખા મારડિયા ડોક્ટર તરીકે લોકોને તપાસીને દવા આપી રહ્યો છે તે નકલી ડોક્ટર હોવાની માહિતી મળતાં રૂરલ એસઓજીના પીએસઆઇ બી.સી.મિયાત્રા સહિતની ટીમ દોડી ગઇ હતી, પોલીસ પહોંચી ત્યારે રાજેશ મારડિયા દર્દીઓને તપાસી રહ્યો હતો. પોલીસે તેની પાસે તબીબી ડિગ્રી માગતાં તેની હાલત કફોડી બની ગઇ હતી અને તેેણે માત્ર ધોરણ 10 સુધી જ અભ્યાસ કર્યાનું સ્વીકાર્યું હતું. પોલીસે નકલી ડોક્ટર મવડી ચોકડી પાસેની જલારામ સોસાયટીમાં રહેતા રાજેશ ભીખા મારડિયાની ધરપકડ કરી હતી, રાજેશ મારડિયા પાંચ વર્ષથી નકલી ડોક્ટર બની લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હતો.