વિધાનસભામાં સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ (બીએડીપી)ના અમલીકરણની કામગીરી પર કેગના ઓડિટ અહેવાલમાં ચોંકાવનારાં તથ્યો બહાર આવ્યાં છે. ઉત્સવો અને ઇવેન્ટ મેનેજમેન્ટ માટે વારંવાર વિવાદમાં અાવતી ગુજરાત સરકાર ફરી આ મામલે બીએડીપીની ગ્રાન્ટના મુદ્દે વિવાદમાં આવી છે. જેમાં સરહદી વિસ્તારનાં ગામોમાં વિકાસકામો માટેની અા ગ્રાન્ટને ગુજરાત સરકારે 2020માં ધોરડો ખાતે અેક પ્રદર્શનના અાયોજનના વિવિધ ચુકવણાં માટે કર્યો હતો. કેગના અહેવાલ પ્રમાણે બીએડીપી માર્ગદર્શિકા 2015 અને 2020 કાર્યક્રમ હેઠળ સ્વીકાર્ય અને અસ્વીકાર્ય કાર્યોની યાદી પ્રદાન કરે છે.
ઓડિટે મે 2022માં અવલોકન કર્યું હતું કે નવેમ્બર 2020માં ધોરડો, કચ્છ ખાતે એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનના આયોજનમાં વિવિધ ઇવેન્ટ મેનેજમેન્ટ એજન્સીઓ, રિસોર્ટ્સ અને લાઇન વિભાગો સામેલ થયાં હતાં. ખર્ચની મુખ્ય ચીજવસ્તુઓમાં મંડપ-શમિયાણા અને તેની સાથે સંકળાયેલી સુવિધાઓ, લાઇટિંગ, ડી.જી. સેટ, સાઉન્ડ સિસ્ટમ, બસો અને વાહનો ભાડે લેવા, મહેમાનોનું બોર્ડિંગ અને લોજિંગ વગેરેનો સમાવેશ થાય છે.
જાન્યુઆરી 2021માં રાજ્યના ગૃહ વિભાગે ભારત સરકારને પ્રદર્શનમાં ખર્ચવામાં આવેલા ભંડોળને પૂરું પાડવા વિનંતી કરી હતી, જેને ફેબ્રુઆરી 2021 બીએડીપી હેઠળ નાગરિક ક્રિયા કાર્યક્રમોની મંજૂરી નથી એમ કહીને નકારી કાઢવામાં આવી હતી. વધુમાં, ભારત સરકારે સૂચવ્યું હતું કે આ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવે. જોકે, વિભાગે 2020-21 અને 2022-23 દરમ્યાન વિવિધ એજન્સીઓ / વિભાગોને અનુક્રમે રૂ. 3.07 કરોડ અને રૂ. 3.20 કરોડની કુલ રૂ. 6.27 કરોડ ચુકવણી કરી હતી જે બીએડીપી રાજ્યના હિસ્સામાંથી કરવામાં આવી હતી.