ગત માસમાં મગફળીના પુરવઠાની બજારમાં તંગી સર્જાતા તેલના ભાવમાં કૃત્રિમ તેજી જોવા મળી હતી. તેલના ડબાનો ભાવ રૂ. 3 હજારની ઉપર રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચ્યો હતો. ઊંચા ભાવમાં ખરીદી ઘટી અને આગોતરા વાવેતરની મગફળી બજારમાં ઠલવાઈ. આમ, પુરવઠો વધી ગયો અને ડિમાન્ડ ઘટતા સીંગતેલના ભાવમાં નરમ વલણ જોવા મળી રહ્યું છે. હજુ દિવાળી સુધી નરમ ભાવ રહે તેવી સંભાવના છે. દિવાળી બાદ નવી ખરીદી વધશે. વેપારીઓના જણાવ્યાનુસાર નવી સિઝન શરૂ થવાની તૈયારી છે. એટલે અત્યાર સુધી જેની પાસે જૂની મગફળી હતી તે પણ બજારમાં ઠાલવી રહ્યા છે. જેથી સૌરાષ્ટ્રમાં યાર્ડદીઠ 100થી લઈને 300 ક્વિન્ટલ સુધીની આવક વધી રહી છે. સાથોસાથ હવે ઓઈલમિલમાં પિલાણ પણ ધીમી ગતિએ શરૂ થઈ ગયું છે.
ડીસા એપીએમસીમાં ચોમાસુ મગફળીની આવક પૂરજોશમાં ચાલુ થઈ છે. શુક્રવારે એક જ દિવસમાં 65 હજારથી વધુ બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ મણ મગફળીનો ભાવ 1200થી 1585 રૂપિયા પાડ્યો હતો. આમ ચાલુ વર્ષે ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવ મળતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે સારો વરસાદ અને અનુકુળ વાતાવરણના કારણે ખેડૂતોએ 148636 હેક્ટર જમીનમાં અને ડીસા તાલુકામાં 37227 હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર થયેલ છે.