અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગેરકાયદે ઈમિગ્રન્ટસ વિરુદ્ધ અભિયાનની સૌથી વધુ ચિંતા મેક્સિકોમાં છે. જ્યાંની સરકારે અમેરિકામાંથી દેશનિકાલ કરાયેલા પોતાના નાગરિકોને સુરક્ષિત પરત લાવવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મેક્સિકોના રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શિનબામે ડોનાલ્ડ ટ્રમ્પના પગલાને એકતરફી ગણાવ્યું છે. તેમજ કહ્યું કે મેક્સિકોએ તૈયાર રહેવું પડશે કેમ કે ગેરકાયદે પ્રવાસીઓની સૌથી વધુ સંખ્યા મેક્સિકોની છે.
ટ્રમ્પના કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરવાની સાથે જ મેક્સિકોની સરકારે ‘મેક્સિકો એમ્બ્રેસ યુ’ નામના અભિયાનની જાહેરાત કરી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ અમેરિકામાંથી દેશનિકાલ કરાયેલા મેક્સિકન નાગરિકોને પરત લાવવાનો છે. જે અંતર્ગત મેક્સિકોએ અમેરિકાની બોર્ડર પર 9 રિસેપ્શન સેન્ટર પણ ખોલ્યા છે. એટલું જ નહીં સરકાર પાસે દેશનિકાલ કરાયેલા લોકોને તેમના ગૃહ રાજ્ય સુધી પહોંચાડવા માટે 100 બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ઘર સુધી પહોંચવા માટે રૂ. 9 હજાર રૂપિયાનું કેશ કાર્ડ મળશે. મેક્સિકોના મંત્રી રોસા ઈસેલા રોડ્રિગેઝે કહ્યું કે અમે નાગરિકોના સ્વાગત માટે તૈયાર છીએ. તેમજ અમે મેક્સિક કંપનીઓ સાથે તેમના રોજગારી માટે પણ ચર્ચા કરી રહ્યા છીએ.
કેનેડામાં પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ બાદ અમેરિકામાં કેનાડાથી આવતા લોકોની સંખ્યા મોટા પ્રમાણમાં વધી ગઈ છે.