એકલદોકલ મુસાફરને રિક્ષામાં બેસાડી સાગરીતો સાથે મળી ચાલક મુસાફરના ખિસ્સામાંથી રોકડ રકમ સેરવી લેતા હોવાના બનાવો રોજિંદા બની ગયા છે. આવા બનાવો અટકાવવા પોલીસે રિક્ષા પાછળ નામ સાથેની વિગતો વાળી પ્લેટ લગાડવાની ઝુંબેશ શરૂ કરી હતી. તેમ છતાં ગુનાહિત પ્રવૃત્તિ આચરતા શખ્સોએ આ નિયમોને ઘોળીને પી ગયા હોય સમયાંતરે બનાવોને અંજામ આપી રહ્યાં છે. ત્યારે વધુ એક બનાવને અંજામ આપનાર રિક્ષાગેંગને પોલીસે ઝડપી લીધી છે.
ગાયકવાડી-3માં રહેતા પ્રેમજીભાઇ ભોલાભાઇ સોલંકી નામના વૃદ્ધ ગત તા.2ના રોજ રાજસ્થાન કિડીનીની સારવાર કરાવી પરત રાજકોટ આવ્યા હતા. ત્યારે પોતે સેશન્સ કોર્ટ પાસે બસમાંથી ઉતરી ઘરે જવા રિક્ષા કરી હતી. જે રિક્ષામાં ચાલક ઉપરાંત અન્ય બે મુસાફર બેઠા હતા. બાદમાં ચાલકે રિક્ષા પૂરઝડપે ચલાવી આડી અવળી ચલાવતા પોતે અન્ય મુસાફર ઉપર પડ્યા હતા. જેથી પોતાને રિક્ષામાંથી ઉતારી દેવાનું કહેતા ઘર નજીક ચાલકે ઉતારી દીધા હતા. રિક્ષા જતી રહ્યાં બાદ ખિસ્સું તપાસતા રૂ.11 હજારની રોકડ ગાયબ હતી.
બાદમાં પોતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે પોલીસે તપાસ શરૂ કરી પોપટપરા મેઇન રોડ, સંતોષીનગર પાસેથી ભગવતીપરા વિસ્તારના સંજય બધિયા ઉધરેજિયા, સુરેશ ઉર્ફે સુરી હેમા ભોજવિયા, સુરેશ દુલા સોલંકીને પકડી પાડ્યા હતા. પૂછપરછમાં ત્રિપુટીએ વૃદ્ધનું ખિસ્સું હળવું કર્યાની કબૂલાત આપતા પોલીસે ત્રિપુટી પાસેથી રોકડા રૂ.11 હજાર, રિક્ષા કબજે કરી ધરપકડ કરી છે.