વલસાડ તાલુકાના અતુલ ખાતે પારનેરા ડુંગરની સાંન્નિધ્યે ફલાવર શોનું આયોજન લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.આ ફલાવર શોમાં વિવિધ જાતિના ફ્લાવર્સ નિદર્શન માટે મૂકવામાં આવ્યા છે.જેમાં રંગબેરંગી ફુલોથી આ શોની સજાવટમાં ચાર ચાંદ લાગી ગયા છે.આ સાથે બાળકોની રચનાત્મક શક્તિને ખિલવવા અને પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે.
અતુલ ટાઉનશીપના હિલસાઇડ કોલોની 1 માં 9 ફેબ્રુઆરી થી 25 ફેબ્રુઆરી 2024 સુધી ફ્લાવર શો ઉજવવામાં આવી રહ્યો છે. આ ફ્લાવર શોનો હેતુ અતુલ ગામ અને કોલોનીના રહેવાસીઓ તેમજ અતુલની આજુબાજુના ગ્રામજનો માટે રહેવાલાયક અને સુમેળભર્યું વાતાવરણ બનાવવાનો છે. આ શોના મુલાકાતીઓ માત્ર અતુલ કોલોનીઓના જ નથી પણ નજીકના ગામો તેમજ વલસાડ અને પારડીથી આવતાં પ્રકૃતિપ્રેમીઓ ભાગ લઇ રહ્યા છે.ફ્લાવર શોમાં 15 પ્રકારના વિદેશી ફૂલો અને 45 થી વધુ પ્રજાતિઓના ખેતી પાકો અને ઔષધીય છોડ વાવેલા છે.
આસપાસના ગામોના અનેક વિદ્યાર્થીઓ અતુલ ગ્રામીણ વિકાસ ફંડ દ્વારા સીએસઆર પ્રવૃત્તિઓના ભાગસ્વરૂપ યોજવામાં આવી રહેલા આ સુંદર અને આકર્ષક ફ્લાવર શોની મુલાકાત લઇ રહ્યા છે. શો દરમિયાન સાંજના સમયે સ્પોર્ટસ સ્પર્ધાઓ જેવી ઘણી બધી પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવે છે.જેનો બાળકો ભરપૂર આનંદ ઉઠાવે છે. આ ફ્લાવર શોનો લાભ 5000 થી વધુ મુલાકાતીઓ લેશે તેવું અનુમાન આયોજકો દ્વારા કરાયું છે.