રાજકોટના કાલાવડ રોડ પર કણકોટ નજીક રામનગરમાં સરકારી જમીનમાં ભૂમાફિયાઓએ દબાણ કરી લીધાનું ધ્યાનમાં આવતા તાલુકા મામલતદારે શુક્રવારે જેસીબી ફેરવી દઇ રૂ.4 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવી હતી.રાજકોટ જિલ્લામાં સરકારી જમીનો પર દબાણો દૂર કરવા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા દરેક બેઠકમાં અધિકારીઓને તાકીદ કરવામાં આવે છે.
જેના ભાગરૂપે રાજકોટના કાલાવડ રોડ ઉપર કણકોટ પાસે આવેલા રામનગર સરવે નં.342ની 1000 ચો.મી. સરકારી જમીન ઉપર વંડા અને દુકાનોનું કોમર્સિયલ બાંધકામ ખડકી દેવાયાની હકીકત ધ્યાનમાં આવતા તાલુકા મામલતદાર દ્વારા દબાણ દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી. આમ છતાં કોમર્સિયલ દબાણો ખડકી દેનારા તત્ત્વોએ સ્વેચ્છાએ દબાણ દૂર નહીં કરતા તાલુકા મામલતદારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી શુક્રવારે સવારે જ ઓપરેશન હાથ ધરી ગેરકાયદે દબાણો પર જેસીબી ફેરવી દેવામાં આવ્યું હતું અને રૂ.4 કરોડની જમીન ખુલ્લી કરાવી નાખવામાં આવી હતી.