રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં PGVCLના કુલ 60 લાખથી વધુ વીજગ્રાહકોમાંથી આશરે 35 લાખ ગ્રાહકોના વીજ કનેક્શન ઓવરલોડ હોવાની ચોંકાવનારી બાબતો સામે આવી છે. એટલે સૌરાષ્ટ્રમાં 35 લાખ વીજગ્રાહકો તેના મંજૂર લોડથી વધુ લોડનો વીજ વપરાશ કરી રહ્યા છે. શહેરી વિસ્તારમાં આ રેશિયો 50% હોવાનું અને ગ્રામ્ય વિસ્તારમાં આ રેશિયો 70% હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ સમગ્ર મામલે પીજીવીસીએલ દ્વારા ઓવરલોડ કનેક્શન ધરાવતા વીજગ્રાહકોને લોડ વધારો લેવા માટે નોટિસ ફટકારી છે. અત્યાર સુધીમાં રાજકોટ શહેર અને સૌરાષ્ટ્રમાં આશરે 1.50 લાખથી વધુ વીજગ્રાહકોને નોટિસ ફટકારી લોડ વધારો લેવા જણાવ્યું છે. ગ્રાહકોએ નોટિસ મળ્યાના 15 દિવસની અંદર લોડ વધારો લેવાની કાર્યવાહી કરવાની રહેશે.
સૌરાષ્ટ્રમાં હજુ રહેણાક, ખેતીવાડી, કોમર્શિયલના કેટલા કનેક્શન મંજૂર લોડથી વધુ પ્રમાણમાં વીજલોડ વાપરી રહ્યા છે તેનું પણ પીજીવીસીએલની ટીમ ચેકિંગ કરશે. આગામી સમયમાં ગ્રાહકોને નોટિસનો આંકડો વધી શકે છે. કારણ કે જેમ જેમ પીજીવીસીએલની ટીમ ચેકિંગ કરશે અને ઓવરલોડ કનેક્શન માલૂમ પડશે તેમ તેમ ગ્રાહકોને લોડ વધારો લેવાની નોટિસ અપાશે.