રાજકોટમાં સોમવારની રાત્રીએ ડબલ મર્ડર ની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આર્યનગરમાં એક મકાનમાં જ ઉપર નીચે રહેતા બે પરપ્રાંતીય પરિવાર વચ્ચેની માથાકૂટ હત્યા સુધી પહોંચી હતી. શહેરના સંત કબીર રોડ ઉપર આર્ય નગરમાં રહેતા 2 સગા ભાઈ પર અજાણ્યા શખસોએ છરી વડે જીવલેણ હૂમલો કર્યો હતો. જેમાં એક ભાઈનું ઘટના સ્થળે તો અન્યનુ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે.
શહેરનાં સંત કબીર રોડ ઉપર રહેતા પરપ્રાંતિય અમિત જૈન અને વિક્કી જૈન નામના બંને ભાઈઓ પર આજે રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા છરી વડે હૂમલો કરવામાં આવ્યો હતો. જેમાં બન્ને યુવાનને પેટ અને શરીરના અન્ય ભાગો ઉપર છરીના ઘા મારવામાં આવ્યા હતા જેને કારણે એક ભાઈ તો લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો તો અન્ય ભાઈને ગંભીર હાલમાં 108 એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યો હતો જોકે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બીજા ભાઈનુ પણ મૃત્યુ નિપજ્યું હતું