હવે બાયોટેક ઈન્ડસ્ટ્રીમાં ચીનનો પ્રભાવ વધતો જોવા મળી રહ્યો છે.ડીપસીક મોમેન્ટ બાદ એઆઈની જેમ હવે અમેરિકાને અહીં પણ પડકાર મળી રહ્યો છે. બોબ ડુગન દ્વારા સમર્થિત સમિટ થેરાપ્યુટિક્સે જાહેરાત કરી કે તેની દવાએ ફેફસાંના કેન્સરના પરીક્ષણમાં મર્કની બ્લોકબસ્ટર થેરાપી કીટ્રુડા કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. કીટ્રુડા ફાર્મા ઈન્ડસ્ટ્રીની સૌથી વધુ વેચાતી દવા છે.
આગની જેમ ફેલાયેલા આ સમાચારથી સમિટના માર્કેટકેપમાં બિલિયન ડોલરનો વધારો થયો છે. અમેરિકાની મંજૂરી વગર જ આ દવા બોયોટેક ઈન્ડસ્ટ્રીમાં ટોપ પર પહોંચી ગઈ છે. સમિટે આ દવા બે વર્ષ પહેલાં ચીનની એક ગુમનામ બાયોટેક કંપની એકેસો પાસેથી લાઇસન્સ પર લીધી હતી.
અમેરિકન બાયોટેક ઇન્ડસ્ટ્રી બોસ્ટન-કેમ્બ્રિજ અને સાન ફ્રાન્સિસ્કો બે જેવા કેન્દ્રોમાં વિકસિત થઈ રહી છે. ચીનની સ્પર્ધાથી કેન્સરની દવાઓ સસ્તી થઈ શકે છે. દર્દીઓ માટે આ વૈશ્વિક સ્પર્ધા લોટરી જેવી છે. આ દર્દીઓને કોઈ ફરક નથી પડતો કે આ દવા કયા દેશમાં વિકસિત કરવામાં આવી છે. અમેરિકા જે ક્ષેત્રમાં દબદબો ધરાવે છે તે તમામ ક્ષેત્રમાં ચીન ટક્કર આપી રહ્યું છે.
ચીનની બાયોટેક ટેક્નોલોજી કેટલાંક વર્ષોમાં ઝડપથી આગળ વધી છે. ડીલફાર્મા અનુસાર 2020માં 50 મિલિયન ડોલરથી વધુનું માર્કેટ ધરાવતી દવાના વેચાણમાં ચીનની ભાગીદારી 5 ટકાથી ઓછી હતી પરંતુ 2024માં તે લગભગ 30% સુધી પહોંચી ગઈ છે. આ ક્ષેત્રમાં ચીન પ્રોડક્ટથી લઈને ઇનોવેશન સુધીમાં અમેરિકાને પડકાર આપી રહ્યું છે.