વિશ્વના કોઇપણ દેશમાં ક્રિકેટ મેચ રમાતો હોય પરંતુ રાજકોટના બુકીઓ તેના પર કરોડો રૂપિયાનો સટ્ટો રમાડે છે. રાજકોટ ક્રાઇમ બ્રાંચે મંગળવારે એસ્ટ્ર્ોન ચોક, હનુમાનમઢી અને નવાગામમાં દરોડા પાડી ત્રણ શખ્સને ઝડપી લઇ રૂ.11.65 લાખની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્રણેય શખ્સની પૂછપરછમાં કુખ્યાત બુકી રાકેશ રાજદેવ ઉર્ફે રાકલાના ભત્રીજા સહિત ત્રણ નામચીન બુકીના નામ ખૂલતા બુકીઓમાં સોપો પડી ગયો હતો. ઝડપાયેલા બુકીઓની પૂછપરછમાં 5થી 7 કરોડના વ્યવહાર ખુલ્યા હતા.
એસ્ટ્રોન ચોકમાં ઓફિસ ધરાવતો સુકેતુ ભુતા પોતાની ઓફિસે હોવાની અને તે વિવિધ આઇડી પર ક્રિકેટ સટ્ટો રમાડતો હોવાની ચોક્કસ માહિતી મળતાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ બી.ટી.ગોહિલ સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે સુકેતુને સકંજામાં લઇ પૂછપરછ કરતા હનુમાનમઢીમાં ઓફિસ ધરાવતા ભાવેશ ખખ્ખર અને નવાગામમાં નિશાંત હરેશ ચગની સંડોવણી ખૂલતા તે બંનેને પણ ઝડપી લીધા હતા. પોલીસે ત્રણેય પાસેથી રોકડા રૂ.11.65 લાખ રોકડા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સુકેતુ ભુતા, ભાવેશ ખખ્ખર અને નિશાંત ચગ ચેરીબેટ નાઇન ડોટ કોમ તેમજ મેજિક એક્સચેન્જ ડોટ કોમ નામના માસ્ટર આઇડી પર સટ્ટો રમાડતા હતા. બંને માસ્ટર અાઇડી પર 5થી 7 કરોડનો સટ્ટો રમાયાનું પણ પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.
પોલીસે સુકેતુ, ભાવેશ અને નિશાંત સામે અલગ અલગ ત્રણ ગુના નોંધ્યા હતા. ત્રણેય બુકીની પૂછપરછમાં મોટો ભાંડાફોડ થયો હતો. સુકેત ભુતા કુખ્યાત બુકી તેજશ રાજુ રાજદેવ, અમિત પોપટ ઉર્ફે મોન્ટુ ઉર્ફે દીપક ખમણ અને તેના મોટાભાઇ નિરવ પોપટ પાસેથી આઇડી મેળવી સટ્ટો રમાડતો હતો. તેજશ રાજદેવ કુખ્યાત બુકી રાકેશ રાજદેવ ઉર્ફે રાકલાનો ભત્રીજો થાય છે અને પીએમ આંગડિયા પેઢીનો સંચાલક છે.